<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા પોરબંદરના પ્રવાસે

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૧૧ : પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી  ડૉ. મનસુખભાઈ માંડવિયા ૩ દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોરબંદર લોકસભા વિસ્તારના વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપશે.

શ્રી માંડવિયા તા. ૧૧ ઓક્ટોબરના રોજ ગોંડલ, જેતપુર, ધોરાજી તથા ઉપલેટા વિસ્તારમાં આયોજિત વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપશે. જેમાં જેતપુર ખાતે ખોડલધામ સમિતિ-જેતપુર દ્વારા આયોજીત રાસોત્સવમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.

તા. ૧૨ ઓક્ટોબર, શનિવારના રોજ દશેરાના દિવસે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રીસાંદીપની વિદ્યાનિકેતન, પોરબંદર  ખાતે નુતન છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપશે.

ગુજરાતની ૨૩ વર્ષની વિકાસગાથાની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ખાતે યોજાનાર વિકાસ સપ્તાહમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના કૂલ રૂ.૧૪ કરોડના ૭૨ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે.

તા. ૧૨ ઓક્ટોબરની સાંજે ૫ વાગ્યે શ્રી માંડવિયાના ‘ગોરસ જનસંપર્ક કાર્યાલય’નું ઉદ્ઘાટન થશે અને જનતા માટે ખુલ્લું મુકાશે. જેનું ઉદ્ઘાટન  વરિષ્ઠ આગેવાન શ્રી વજુભાઈ વાળા અને શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવનાર છે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે ૯ વાગ્યે વાલ્મીકી સમાજ-ઉપલેટા દ્વારા  સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયાની ‘સાકરતુલા’ કરવામાં આવશે. ત્યારબાદ શ્રી માંડવિયા રાત્રે ઉપલેટા ખાતે આયોજિત વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે, જેમાં તેઓ ગૌશાળાના લાભાર્થે આયોજિત ગરબા મહોત્સવમાં પણ હાજરી આપશે. 

રવિવાર તા.૧૩ ઓક્ટોબરના રોજ મંત્રી મનસુખભાઈ માંડવિયા અમદાવાદ ખાતે બપોરે ૪ વાગ્યે ESIC હોસ્પિટલ, નરોડાની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે ૬ વાગ્યે સીરમ ઇન્સ્ટીટયુટના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર કેળવણી મંડળ-અમદાવાદ દ્વારા આયોજિત ‘સર્વાઈકલ કેન્સર વેક્સીનેશન કાર્યક્રમ’માં હાજરી આપશે.


 

(12:01 PM IST)