<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જામનગરમાં સિંધી સમાજ દ્વારા રાવણના પૂતળાનું દહન કરાશે : તડામાર તૈયારી

લંકા પતી રાજા રાવણની ૩૫ ફૂટ તેમજ અને મેઘનાદ તેમજ કુંભકર્ણની ૩૦ ફૂટના કદની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે

જામનગર, તા.૧૧: જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલ શનિવાર તા.૧૨નાં રોજ  વિજયાદશમી નિમિત્તે જામનગરમાં સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષની માફક રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે.

 શનિવારે સાંજ પછી પ્રદર્શન મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવનાર છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સિંધી સમાજ દશેરા કમિટીના આગેવાનો, કારોબારી સભ્‍યો એવા સર્વેશ્રી પરમાણંદભાઈ ખટ્ટર, જી.કે. ગંગવાણી, પ્‍યારેલાલ રાજપાલ, હરેશ ગનવાણી સહિતનાઓ દ્વારા કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી  રહી છે.

જેમાં લંકા પતિ રાજા રાવણની ૩૫ ફૂટના કદની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે, અને તેમાં મોટી માત્રામાં દારૂ ગોળો ભરવામાં આવ્‍યો છે.

ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણની ૩૦ ફૂટના કદની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે. જેમાં પણ મોટી સંખ્‍યામાં દારૂખાનું સમાવવામાં આવ્‍યું છે, અને કાર્યક્રમ માટેની ભરપૂર તૈયારીઓ થઈ રહી છે.

 સાથોસાથ નાનક પુરીથી શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના રાજમાર્ગો પર ફરીને પ્રદર્શન ગ્રાઉન્‍ડ માં પરીપૂર્ણ થશે. જેમાં લીમડાલેન વિસ્‍તારમાં આવેલી આદર્શ ભારતમાતા ગરબી મંડળ માં દેવી-દેવતા અને મહાપુરુષો ની વેશભૂષા ધારણ કરનાર કલાકારો પણ સામેલ થશે, અને ઘોડે સવારી કરીને અથવા અન્‍ય રીતે શોભાયાત્રામાં જોડાશે એ નગરમાં આકર્ષણનું કેન્‍દ્ર બનશે

(1:40 PM IST)