News of Friday, 11th October 2024
'સુદર્શન સેતુ' વિકસિત દેવભુમિ દ્વારકા જિલ્લાનુ પ્રતિક, જિલ્લાની યશ કલગીમાં એક મોરપીંછ સમાન આઈકોનિક સ્થળ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ઓખા અને બેટ-દ્વારકાને જોડતા સમુદ્ર પરનાં કેબલ આધારિત 'સુદર્શન સેતુ'નું નિર્માણ થયું
વ્યુઈંગ ગેલેરી, ભગવદગીતાના શ્લોક, મોર પંખ, ફૂટ પાથ સહિત અનેક આકર્ષણયુક્ત અંદાજિત રૂ.૯૭૮.૯૩ કરોડના ખર્ચે બનેલ સુદર્શન સેતુ થકી જિલ્લામાં પ્રવાસનને વેગ મળ્યો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ :'ઓખો તો દુનિયાથી નોખો કહેવાય...' આ છેવાડાનું નગર ઓખા કે જે દેશના પશ્ચિમ ખુણે આવેલું છે, ત્યાં પ્રાથમિક સુવિધાઓ પહોંચે તે પણ ભુતકાળમાં સિદ્ધિ મનાતી તેવા વિસ્તારમાં સમુદ્ર પર કેબલ બ્રિજ બનાવાશે એવી તો કલ્પના પણ કોને હોય? ૧૩-૧૪ વર્ષ જેટલા સમય પહેલાં દેશનું આર્થિક પાટનગર ગણાતાં અને સંસાધનયુક્ત મુંબઈમાં બાન્દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજ ચાલુ થયો ત્યારે આવો કેબલ બ્રિજ ગુજરાતના દેવભુમિ દ્વારકા જિલ્લામાં બને તેવો કોઈને સપને પણ વિચાર ન હોય. પરંતુ, શ્રીકૃષ્ણના સાંનિધ્યથી પાવન બનેલી આ ભુમિ સાથે સંકળાયેલી યાત્રાળુઓની શ્રદ્ધાને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અનુભવી અને સપનું સેવ્યું સુદર્શન બ્રિજનું, એવો બ્રિજ કે જે શ્રદ્ધાના કેન્દ્ર એવા બેટ દ્વારકા ટાપુને ઓખાની અને ગુજરાતનીન મુખ્ય ભુમિ સાથે જોડે.
ચારધામમાંનું એક એવું જગત મંદિર દ્વારકામાં આવેલું છે, તેનાં દર્શને આવતાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓને બેટ દ્વારકા પર આવેલા કેશવરાયજી મંદિર અને હનુમાન દંડી જેવા ઐતિહાસિક મહત્વ ધરાવતા મંદિરોના દર્શન કરવા માટે બોટ/ફેરી પર નિર્ભર રહેવું પડતું હતું અને ઘણો સમય પણ લાગતો હતો. આ નિર્ભરતા દુર થાય અને બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભુમિ સાથે જોડે તેવો બ્રિજ બને તે વડાપ્રધાનશ્રીનું વિઝન હતું, આ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તેઓશ્રીએ તત્કાલીન યુ.પી.એ.ની કેન્દ્ર સરકાર પાસે પ્રસ્તાવ પણ મુકેલો.
વર્ષો બાદ સુદર્શન સેતુના આ વિઝનને તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ૨૦૧૬માં સૈદ્ધાંતિક મંજૂરી આપી. ૨૦૧૭માં ઓખાથી બેટ દ્વારકા સુધીના આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું અને ૨૦૨૪માં ઓખા અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા કેબલ બ્રિજનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદઘાટન થયું. આ પુલ એક સુવિધામાત્ર નહિં, પરંતુ એન્જીનીયરીંગનો એક કમાલ છે, એથી વધુ ગુજરાતની ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક છે. દ્વારકાધીશના દર્શન ને સરળ બનાવતો આ સેતુ દ્વારકા નગરીની દિવ્યતામાં ચારચાંદ લગાવે છે. ઉલ્લેખનીય છે કે બાન્દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજથી આ બ્રિજ લાંબો છે, વળી આ બ્રિજમાં ફુટપાથ/સાઈકલ રસ્તો/ ગોલ્ફ કારનો રસ્તો પણ છે.
સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થતાં ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બન્યો છે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં પણ વધારો થયો છે.
સુદર્શન સેતુની લંબાઇ ૨.૩૨ કીલોમીટર છે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ x ૧૨ મીટરના ૪ મોરપંખ આકારવામાં આવ્યાં છે. ઓખા તરફ ૩૭૦ મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ ૬૫૦ મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રીજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ ૨૭.૨ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ છે. ફુટપાથની બાજુ પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણની છબીઓ દર્શાવવામાં આવી છે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલની ૧ મેગાવોટની વિજળી ઉત્પાદનક્ષમતા છે, જેનો ઉપયોગ બ્રીજના લાઇટીંગમાં થય છે. બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
(ખાસ લેખ: ભાર્ગવ કે. ભંડેરી)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
