<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

જામનગરના જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૨: જામનગર જામ સાહેબ શ્રી શત્રુશૈલ્‍ય સિંહજીએ દશેરાની પૂર્વ સંધ્‍યાએ સૌને શુભેચ્‍છા પાઠવવાની સાથોસાથ પોતાના વારસદાર તરીકે જાણીતા ક્રિકેટર શ્રી અજય જાડેજા નું નામ ફરી જાહેર કર્યું છે.

મહારાજા જામસાહેબ શ્રી શત્રુશલ્‍યસિંહજી દિગ્‍વિજયસિંહજી જાડેજા, શ્રી અજયસિંહજી દોલતસિંહજી જાડેજા, શ્રી દોલતસિંહજી પ્રતાપસિંહજી જાડેજા, મહારાજા જામસાહેબ શ્રી દિગ્‍વિજયસિંહજી જાડેજા અને  શ્રી પ્રતાપસિંહજી જાડેજા સગા ભાઈઓ હતા.

હાલના જામસાહેબ શ્રીશત્રુશલ્‍યસિંહજી જાડેજા સંબંધમાં શ્રી અજય જાડેજાના સગા કાકા થાય છે.

મહારાજા જામસાહેબે જણાવ્‍યુ હતુ કે દશેરાનો દિવસ એ દિવસ માનવામાં આવે છે કે પાંડવોએ ૧૪ વર્ષ પોતાના અસ્‍તિત્‍વને છૂપાવી સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિજય મેળવ્‍યો હતો. આજે દશેરાના દિવસે મને પણ તેવોજ આનંદ થાય છે, કારણ કે મને એક મારી મુંજવણમાંથી ઉકેલ મળ્‍યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે, જેણે મારા વારસદાર થવાનું સ્‍વીકાર્યું છે. અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરૂપ છે.

હું અજય જાડેજાનો હાર્દિક આભાર વ્‍યક્‍ત કરું છું, જય માતાજી, તેમ મહારાજા જામસાહેબ ઓફ નવાનગરએ જણાવ્‍યું છે

(11:31 AM IST)