<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ગોંડલ અક્ષર મંદિરે પૂ.મહંત સ્‍વામી મહારાજની પધરામણીઃ ૨૨ દિવસ રોકાશે

બીએપીએસના વડાને સંતો અને હરિભકતોએ હર્ષભેર આવકાર્યાઃ દરરોજ સત્‍સંગ-આર્શિવાદનો લાભ મળશે

(જીતેન્‍દ્ર આચાર્ય-અશોક જોષી દ્વારા) ગોંડલ તા.૧૪: કાલે રવિવારે સવારે ૧૧:૪૫ વાગ્‍યે, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્‍વામીનારાયણ સંસ્‍થાના સુત્રધાર પ્રગટ બ્રહ્મ સ્‍વરૂપ મહંતસ્‍વામી મહારાજનું સોરઠના પ્રવેશદ્વાર સમા ગોંડલમાં પાવનકારી આગમન થયું છે. આ પ્રસંગે હજારો હરિભક્‍તોએ મહંત સ્‍વામીને આનંદ ઉલ્લાસભેર વધાવ્‍યા હતાં.  પ. પૂ. મહંતસ્‍વામી શ્રી અક્ષરદેરી તેમજ અક્ષર મંદિરે ઠાકોરજીના ભાવપૂર્વક દર્શન કરી યોગીસભામંડપમ્‌ ખાતે આયોજીત સ્‍વાગત સભામાં પધાર્યા હતા. જ્‍યાં તેઓનું સ્‍વાગત અક્ષરમંદિરના કોઠારી સંત પૂ. દિવ્‍યપુરુષ સ્‍વામી, પૂ. આરુણી ભગત તેમજ વડીલ સંતોએ કલાત્‍મક હાર દ્વારા મહંતસ્‍વામી મહારાજનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત મહંતસ્‍વામીના આગમન પ્રસંગે અનેક હરિભક્‍તોએ વ્રત-ઉપવાસ કર્યા હતા. આ તમામ ઉપવાસી ભક્‍તો પર મહંતસ્‍વામી મહારાજે અંતરના આશિષ પાઠવ્‍યા હતા.

તા.૧૬/૧૦/૨૦૨૪ના રોજ શરદપૂનમે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્‍વામીનો ૨૪૦મો જન્‍મોત્‍સવ, સાંજે ૦૭ થી ૧૦ વાગ્‍યા દરમ્‍યાન અતિ ભવ્‍યતાથી ઉજવાશે. તા.૨૩ અને તા.૨૫ના રોજ સવારે ૯ વાગ્‍યે દીક્ષા મહોત્‍સવ યોજાશે. જેમાં પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજના હસ્‍તે, બુધવારે પાર્ષદી દીક્ષા અને શુક્રવારે ભાગવતી દીક્ષા નવયુવાનો ગ્રહણ કરશે.

તા.૨૯/૧૦/૨૦૨૪ મંગળવાર, ધનતેરશના શુભ દિવસે વિશ્વશાંતિ મહાયાગ, બ્રાહ્મમુહૂર્તમાં વહેલી સવારે ૪ થી ૮ વાગ્‍યા દરમ્‍યાન પવિત્ર ગોંડલી નદીના કિનારે શ્રીઅક્ષરઘાટ પર યોજાશે. તા.૩૧,ગુરુવારને દીપોત્‍સવી દીને ચોપડા પૂજન નિમિત્તે મહાપુજા સાંજે ૪:૩૦ વાગ્‍યે શરૂ થશે. અને તા.૦૨/૧૧/૨૦૨૪ શનિવાર, નૂતનવર્ષના પવિત્ર દિને અન્નકૂટ દર્શનનો લાભ સવારે ૯ થી સાંજે ૭ વાગ્‍યા સુધી પ્રાપ્ત થશે.

આ ઉપરાંત તા.૧૩ ઓક્‍ટોબરથી ૪ નવેમ્‍બર દરમ્‍યાન, યોગી સભામંડપમ્‌ ખાતે સવારે ૬ વાગ્‍યે સ્‍વામીશ્રીના પ્રાતઃપૂજા દર્શન,આશીર્વચન અને સાંજે ૬ વાગ્‍યે પારાયણમાં પૂ.સંતોના મુખે કથામળતનો લાભ પ્રાપ્ત થશે.

પરમ સાધુતા અને દિવ્‍યતાની મૂર્તિ સમાન પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજના દર્શનાર્થે અને સત્‍સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વે ભક્‍તજનોને અક્ષર મંદિરના કોઠારી પૂ.દિવ્‍યપુરુષ સ્‍વામીએ  નિમંત્રણ પાઠવ્‍યું છે.

(10:34 AM IST)