<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

પાછોતરા વરસાદે વેર્યો વિનાશઃ વિવિધ પાકને ભારે નુકશાન

રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસાની વિદાય પછી ચોમાસા જેવો કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા ખેડુતો ચિંતીતઃ સવારે ઠંડીના પ્રમાણમા વધારો

રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં છેલ્લા ૩-૪ દિવસથી ચોમાસાની વિદાય પછી વરસેલા વરસાદથી પાકને ભારે નુકશાન થતા પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હોવાનું ખેડુતો કહી રહયા છે. કાલે રવિવારે પણ સાંજથી મોડી રાત્રી સુધી ભયંકર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અનેક વિસ્‍તારોમાં વરસતા ખેડુતોમાં ચિંતા વ્‍યાપી ગઇ છે. આજે સવારથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે.

ખેડુતોએ તૈયાર કરેલ કપાસ, સોયોબીન, મગફળીના પાકને લણવાની શરૂઆત કરી હતી ત્‍યારે જેતપુર અને વિરપુર પંથકમાં દશેરાની રાતે વરસાદી માહોલ સર્જાયો હતો અને ભારે વરસાદ વરસ્‍યો હતો. જેમને લઇને પાક ઉપર આવેલા સોયાબીન મગફળીના પાકના પાથરા વરસાદી પાણીમાં પલળી ગયા હતા અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદને કારણે કપાસ ઢળી જવાથી ફાલ પણ ખરી જવા પામ્‍યો છે. મગફળી અને સોયાબીન પલળતા પશઓ માટે નિરણ કે ચારો પણ મેળવી શકાય તેમ નથી અને ખેડુતોને મોઢે આવેલો કોળીયો છીનવાયો છે. જેથી સરકાર દ્વારા નિષ્‍ફળ ગયેલા પાકોનું સર્વે કરાવી ખેડુતોને સહાય ચુકવે તેવી માંગ કરી રહયા છે.

હળવદ

(દિપક જાની દ્વારા) હળવદઃ ગઇકાલે રાત્રે બાર વાગ્‍યે હળવદ ઝાપટું આવી ગયું હતું. મોડી સાંજથીજ વિજળી થઇ રહી હતી અને કોઇક કોઇક છાંટા આવી રહયા હતા. થોડીવાર માટે વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

મોટી પાનેલી

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતું.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને ૨ ઇંચ વરસાદ પડયો છે. અમરેલીમાં ર ઇંચ વરસાદથી રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળ્‍યા હતા.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલમાં સતત બીજે દિવસે ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડ્‍યો હતો.વરસાદને કારણે ઉમવાડા અંડરબ્રિજ તથા રાતાપુલ હેઠળ પાણી ભરાતા ટ્રાફિક ઠપ્‍પ થઈ જવા પામ્‍યો હતો.સહજાનંદ નગર માં ખાલી પ્‍લોટ તથા નિલેશભાઈ આડતીયાનાં મકાનનાં ફળીયામાં વિજળી પડી હતી. જેને કારણે કોઈ જાનહાની નથી થઈ પણ સોસાયટીનાં મોટાભાગનાં ઘરોમાં ફ્રીઝ, ટીવી.એસી. સહિતનાં ઉપકરણો બળી ગયા હતા.

પાંચીયાવદર, ખરેડા પટ્ટીમાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્‍તારો તથા ખેતરો માં પાણી ભરાયા હતા.છેલ્લા બે દીવસ નાં ભારે કમોસમી વરસાદ ને કારણે ખેડુતો એ વાવેલા પાકને ભારે નુકસાન પંહોચ્‍યુ છે.કીશાન અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્‍યુ કે વરસાદને કારણે મગફળી, કપાસ, તલી અને ડુંગળીનાં વાવેતર બળી જતા નિષ્‍ફળ ગયા હોય ખેડુતને રડવાનો સમય આવ્‍યો છે.રાજ્‍ય સરકારે કમોસમી વરસાદને કારણે પાક બળી ગયા હોય ખેડુતો ને નુકશાની આવી હોય તુરંત વળતર આપવુ જોઈએ. ખેડુત લક્ષી માત્ર વાતો કરતી સરકારે પાક વિમાની રકમ પણ હજુ ચુકવી નથી. ત્‍યાં વરસાદને કારણે ખેડુત પર નવો બોજ આવ્‍યો છે.તેમણે રાજ્‍ય સરકારની તિવ્ર આલોચના કરી છે.

(11:46 AM IST)