News of Monday, 14th October 2024
ટંકારા પંથકમાં મગફળી-કપાસમાં નુકસાન
ધોધમાર એક ઇંચ વરસાદ, પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા,તા.૧૪ : નવલા નોરતા બાદ ગુજરાતમાં આવેલા હવામાન બદલવાની અસર ગઈ રાત્રે ટંકારા પંથક જોવા મળી હતી જેમાં તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે આઠેક વાગ્યાના સુમારે અડધી કલાક અનરાધાર વરસાદ વરસી પડ્યો હતો. ટંકારા નગર ઉપરાંત મિતાણા, હરબટીયાળી, હરિપર, સજ્જનપર, અમરાપર, ટોળ, જીવાપર, ભૂતકોટડા, આર્યનગર, કલ્યાણપર, જબલપુર, હિરાપર, સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે ખરીફ પાકને ભારે નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે કપાસ અને મગફળી નો બચ્યો કુચયો પાક પણ સોથ વળી જાય ખેડૂતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે વરસાદને કારણે સમગ્ર પંથકમાં ટાઢું બોળ વાતાવરણ થઈ ગયું હતું ટંકારા મામલતદાર કચેરી ખાતે ગત રાત્રીનો ૨૪ એમ એમ વરસાદ નોંધાયો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ ૧૩૦૬ એમ એમ એ આંક આંબી ગયો છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
