News of Monday, 14th October 2024
રૂમમાં પાંચ વર્ષની દિકરી મોબાઇલ ફોનથી રમતી હતી અને માતાનો દેહ લટકતો હતો!
શાપરમાં ધર્મિષ્ઠાબેન પરમારનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ પતિ નોકરીએથી ઘરે આવ્યો ત્યારે દ્રશ્ય જોઇ હચમચી ગયોઃ કારણ જાણવા પોલીસ તપાસ

રાજકોટ તા. ૧૪: શાપર વેરાવળના શાંતિધામમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પાંચ વર્ષની દિકરી મોબાઇલ ફોનથી રમતી હતી ત્યારે તેની માતાનો દેહ લટકતો હતો. નોકરી પુરી કરી સાંજે ઘરે આવેલા પતિએ આ દ્રશ્ય નિહાળતાં તે હચમચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શાપરમાં રહેતી ધર્મિષ્ઠાબેન હરસુખભાઇ પરમાર (ઉ.વ.૨૮)એ પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવની જાણ થતાં શાપર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.
આપઘાત કરનારના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં પાંચ વર્ષની એક પુત્રી છે. તેણીના માવતર માળીયા હાટીના તાબેના અવાણીયા ગામે રહે છે. પતિ હરસુખભાઇ દીલાભાઇ પરમાર કારખાનામાં નોકરી કરે છે. સાંજે આઠેક વાગ્યે તે નોકરી પુરી કરી ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. પાંચ વર્ષની દિકરી મોબાઇલ ફોનમાં રમતી હતી અને પત્નિ ધર્મિષ્ઠાબેનનો દેહ લટકતો જોવા મળતાં તે હતપ્રભ થઇ ગયો હતો. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં કોઇએ ૧૦૮ તથા પોલીસને જાણ કરી હતી. ધર્મિષ્ઠાબેને આપઘાત શા માટે કર્યો? તે અંગે પતિ પોતે અજાણ હોવાનું કહેતો હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
