News of Monday, 14th October 2024
કેશોદના અજાબ ગામે વરસાદ પડતાં મગફળીના પાકને ભારે નુકસાની

(કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા.૧૪ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ અઢીથી ત્રણ ઈચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં મગફળીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘેલીચિત્રા નક્ષત્ર ભેસના વાહન સાથે દશમી ઓક્ટોબર થી બેસતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર પછી શરૂ થયેલાં વરસાદથી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડયો હતો ત્યારે ખેડૂતોની મગફળી જે જમીનમાંથી બહાર કાઢવામાં આવી છે એવા ખેડૂતોને મગફળીના પાથરા પલળી જતાં ફુગાઈ ગયેલ છે ઉપરાંત મગફળીના દાણામાંથી કોટા ફુટી જતાં ગુણવત્તા ઘટી ગઈ છે જે માત્ર સીંગતેલમાં પીલાણમાં વેચાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજય સરકાર અને હવામાન વિભાગ દ્વારા સમયાતંરે વરસાદ વાવાઝોડાની માહિતી સ્થાનિક તંત્રને પહોંચાડી સલામતીની કાર્યવાહી હાથ ધરવા અને સામાન્ય નાગરિકોને સચેત કરવા આપવામાં આવે છે ત્યારે કમનસીબે સ્થાનિક તંત્ર દ્વારા સામાન્ય અભણ અને ટેકનોલોજી વંચિત નાનાં ખેડૂતો ખેતમજૂરો સુધી માહિતી પહોંચાડી સચેત કરવામાં ન આવતાં નુકસાની નો ભોગ બન્યા છે. કેશોદના અજાબ ગામ તથા આસપાસના વિસ્તારમાં વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની સાથે જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતાં આકસ્મિક ઘટના બનવાની સંભાવના વધી ગઈ છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
