<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

કચ્‍છના ભચાઉમાં પૂર્વ પ્રેમી સામે બ્‍લેકમેઇલ કરવાની પરિણીત મહિલા તબીબની ફરિયાદ

થોડા સમય માટે પતિ સાથેના મનદુઃખ દરમ્‍યાન થયેલ મિત્રતા ભારે પડી : મિત્રતાનો ગેરલાભ લઇ વારંવાર શરીર સંબંધ બાંધ્‍યો હવે પતિને છોડવા દબાણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : આજના સમયમાં સામાજિક સબંધોમાં આવતા ચડાવઉતાર અને તે દરમ્‍યાન બંધાતા સહાનુભૂતિના સબંધોમાં ચૂકાયેલી મર્યાદા ભવિષ્‍યમાં મુશ્‍કેલીરૂપ બનતા હોવાના અનેક કિસ્‍સાઓ સામે આવી રહ્યા છે.

કચ્‍છના ભચાઉમાં પૂર્વ પ્રેમી દ્વારા મહિલા તબીબને બ્‍લેકમેઈલ કરી તેના પતિ અને સંતાનોને છોડી દેવાના દબાણ અંગે પોલીસ ફરિયાદ નોધાઈ છે. બે સંતાનોની માતા એવા આ મહિલા તબીબના જણાવ્‍યાનુસાર અઢી વર્ષ પૂર્વે તેમનો પતિ સાથે મનમેળ નહોઈ તેઓ અલગ રહેતા હતા. આ દરમ્‍યાન અહીં એક કંપનીમાં તબીબ તરીકે તેઓ નોકરી કરતા હતા.

આ નોકરી દરમ્‍યાન તેમની આ કંપનીમાં ફોમ ઓપરેટર તરીકે નોકરી કરતા કરણ વજેસંગ ઠાકોર સાથે મિત્રતા થઈ હતી. મૂળ મહેસાણા ના કરણ ઠાકોરે પોતાનો પત્‍ની સાથે મનમેળ ન હોવાનું કહી ઘનિષ્ઠતા વધારે હતી. પોતે પત્‍નીથી છૂટાછેડા લઇ અને લગ્ન કરશે એવી લાલચ બતાવી કરણે મહિલા તબીબ સાથે વારંવાર શરીર સબંધ બાંધ્‍યા હતા. ત્‍યાર બાદ કરણ અલગ કંપનીમાં નોકરીએ લાગ્‍યો અને મહિલા તબીબનો ફરી પતિ સાથે મનમેળ થતાં તે પોતાના બે સંતાનો સાથે ફરી પતિ સાથે રહેવા લાગી હતી.

જોકે, એ દરમ્‍યાન અત્‍યારે છેલ્લા એક વર્ષથી પૂર્વ પ્રેમી રહી ચૂકેલા કરણ ઠાકોર દ્વારા વારંવાર બ્‍લેકમેઈલ કરવાની ધમકી આપી આ મહિલા તબીબ ઉપર પતિને છોડી દેવા દબાણ કરાય છે. જૂના મૈત્રી સબંધો દ્વારા સમાજમાં તેને બ્‍લેકમેઇલ કરાય છે. પોલીસે આ ફરિયાદના આધારે કરણ વજેસંગ પરમાર વિરૂદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:00 AM IST)