<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

તળાજાના જુના સાંગાણા ગામમાં બે સિંહ મહેમાન બન્‍યા

વહેલી સવારે ડણક સાંભળી ખેડૂતો ફફડી ગયા : સગડ મળ્‍યા છે, જોવા નથી મળ્‍યા : RFO

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૬ : ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા સાવજો વિચરણ કરવા વારંવાર આવી રહ્યા છે. દરિયાઈ પટ્ટી ના ઝાંઝમેર વિસ્‍તારમા ત્રણ સિંહ પરિવારે હાલ ઘણા સમયથી વસવાટ કર્યો છે ત્‍યારે આજે વહેલી સવારે જુના સાંગાણા ગામની શેરડીના વાઢ છે તે વાડીમા સાવજો એ ડણકદેતા ખેડૂતોમા ફફડાટ ફેલાઈ ગયો હતો. ફોરેસ્‍ટ વિભાગની ટીમે સગડના પગલે ધામા નાખ્‍યા છે.

જુના સાંગાણા ગામના અનિરૂદ્ધસિંહ સરવૈયાની વાડીમા આજે વહેલી સવારે અચાનક જ બે સાવજોની ડણક સંભળાઈ હતી. અચાનક સાવજો હુકવા, ગર્જવાના અવાજને લઈ ખેડૂતો એ ફોરેસ્‍ટ વિભાગને જાણ કરતા રેન્‍જ ફોરેસ્‍ટર રાજુ ઝીંઝુવાડિયા સ્‍ટાફ સાથે દોડી ગયા હતા.આર.એફ.ઓ એ જણાવ્‍યું હતુ કે ખેડૂતોએ નજરે જોયાનું કહે છે. અમોને માત્ર સગડ મળ્‍યા છે. શેરડીના વાઢમા ગયા હોવાના સગડને લઈ સ્‍થાનિક યુવાનો પણ સિંહ દર્શન કરવા દોડી આવ્‍યા હતા. ખેડૂતોને અપીલ કરતા જણાવ્‍યું હતુ કે વાડીમા ઇલેક્‍ટ્રિક કરંટ પસાર કરવો તે ગુન્‍હો બને છે. તેમાંય સિંહ દીપડા જેવા પ્રાણીને નુકશાન થાય તો વધુ ગંભીર ગુન્‍હો બને છે. આથી ખેડૂતોએ વીજ કરંટ પસાર કરવો નહીં.(૨૧.૮)

તળાજામાં સિંહણને ત્‍યાં પારણું બંધાવાની આશા

હાલ તળાજાની દરિયાઇપટ્ટીના મધુવન મેથળા ઝાંઝમેર વિસ્‍તારમાં બે સિંહણ અને એક સિંહ વસવાટ કરે છે. અહીં તેઓનો સંવનન કાળ પૂરો થયો છે. આથી આગામી મહિનાઓમા સિંહણ અહીં સિંહબાળને જન્‍મ આપશે. તળાજા પંથકની ધરા સિંહબાળના કિલકીલાટથી ગુંજી ઉઠશે તેવી ઉજળી આશા ફોરેસ્‍ટ વિભાગ રાખી રહ્યો છે.

(10:38 AM IST)