<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

પોરબંદરના અતિ સંવેદનશીલ કાંઠા ઉપર ડ્રગ્‍સ માફિયાઓ પુનઃ સક્રિય ?

ઓડદર અને ગોસા વચ્‍ચે દરિયામાં ૪ મહિનાના સમયગાળામાં ૩ વખત કરોડોનું ડ્રગ્‍સ ઝડપાયેલું : અગાઉની સોના દાણચોરીના જુના ખેલાડીઓ સાથે ડ્રગ્‍સ માફિયાઓની સાંઠગાંઠનો ડેન્‍જર-ચાર્લીના સર્વે ઉપરથી સંકેત

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૬ : પોરબંદરના અતિ સંવેદનશીલ દરિયાકાંઠ ઉપર ડ્રગ્‍સ માફિયાઓ પુનઃ સક્રિય થઇ રહ્યાનો ઇશારો દેશ હિત માટે કાંઠા ઉપર બાજ નજર રાખતા ડેન્‍જર-ચાર્લીના સર્વે ઉપરથી ઇશારો થયો છે.

દેશની સુરક્ષા માટે ડેન્‍જર-ચાર્લીના સર્વેમાં સંકેત છે કે વર્ષો પહેલાના પોરબંદર કાંઠા ઉપર સોનાની દાણચોરીના જુના ખેલાડીઓ સાથે આજના ડ્રગ્‍સ માફિયાઓએ સાંઠગાંઠ કરીને ડ્રગ્‍સ લાવવા માટે જુના રૂટ માર્ગના ઉપયોગ માર્ગદર્શન લઇ રહ્યાં છે.

પોરબંદરના દરિયા કાંઠો અતિ સંવેદનશીલ જાહેર કરાયો છે આ દરિયાકાંઠ ઉપર ઓડેદર અને ગોસા વચ્‍ચે દરિયામાંથી છેલ્લા ચાર માસમાં ૩ વખત સુરક્ષા એજન્‍સીઓએ કરોડોનું ડ્રગ્‍સ ઝડપી લીધું હતું. ત્‍યારપછી  ડ્રગ્‍સ માફિયો આ કાંઠા ઉપર આગળ વધવા અને કન્‍સાઇમેન્‍ટ પાર પાડવા તક શોધી રહ્યાનું દેશહિત માટેના સર્વેમાં ઇશારો થયો છે.

ગોસાબાર કાંઠો એક સમયે સોનાની દાણચોરી કુખ્‍યાત હતો. પ્રારંભમાં જામસલાયાના હાજી તાલબનું નેટવર્ક હતું અને તે વખતે ગેરકાયદે મોટે પાયે સોનાની ગીની દાણચોરીથી ઘુસાડવામાં આવતી હતી જેનો હવાલો તે વખતે જુમ્‍મા મછીયારો લેતો હોવાનું રેકર્ડ ઉપર છે.

ઓખાથી માધવપુરના અખાત સુધી અતિ સંવેદનશીલ કાંઠે છે પોરબંદર મધ્‍યમાં આવે છે. પોરબંદરથી આંતરરાષ્‍ટ્રીય જળ માર્ગ નજીક છે. સુભાષનગર ખીમેશ્વર વિસાવાડા કાંટેલા મીયાણીથી માધવપુર આંત્રોલી ફાટક સુધી અતિ સંવેદનશીલ દરિયા કાંઠે ભૂતકાળમાં સોનાની દાણચોરી ધાતક હતિયાર લેન્‍ડીગથી કુખ્‍યાત બની ગયો છે. ૧૯પ૬ થી આ દરિયાકાંઠો ચર્ચિત છે. આગામી નવેમ્‍બરમાં લશ્‍કરની ત્રણે પાંખો આર્મી નેવી અને એરફોર્સની કવાયત માટે તૈયારી થઇ રહી છે ત્‍યારે અતિ સંવેદનશીલ કાંઠા ઉપર સુરક્ષા વધુ મજબુત બનાવવા માટે આવે તેવું ડેન્‍જર-ચાર્લીના સર્વે ઉપરથી જરૂરી માનવામાં આવી રહ્યું છે.

(2:06 PM IST)