<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

મહુવાના તરેડીમાં બાકી રૂપિયા પરત ન આપતા નાજાભાઇ સોલંકીની હત્‍યા

સથરા ગામના ૩ શખ્‍સો સામે ગુન્‍હો નોંધીને શોધખોળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭ : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર ગામમાં રહેતા આધેડ નાજાભાઇ સોલંકી  ગામમાં રહેતા પેમાભાઇ વલ્લભભાઈ કાતરીયાની વાડીએ ઝૂંપડું બનાવવા માટે ગયા હતા અને મોડી રાત સુધી પરત ન ફરતા નાજાભાઇના પત્‍ની દયાબેને તેમના ભત્રીજા પંકજભાઈ રૂખડભાઈ સોલંકીને ફોન કરીને જાણ કરી હતી અને તેમને પેમાભાઈની વાડીએ તપાસ કરવા માટે મોકલ્‍યા હતા. પંકજભાઈ પેમાભાઈની વાડીએ જઈને તપાસ કરતા પેમાભાઈએ જણાવેલ કે ‘તારા કાકા ને કોઈ સથરા વાળાનો ફોન આવતા તેઓ મારી વાડીએ ઝૂંપડાનું કામ પૂરું કરીને મોટરસાઇકલ લઈને અહીંથી જતા રહ્યા છે.' પંકજભાઈ એ ઘરે આવી તેમના કાકીને પૂછપરછ કરતા સથરાના અશોકભાઈ શામજીભાઈ સાંખટ હોવાનું જણાવ્‍યું હતું. પંકજભાઈ સોલંકી અને તેમના સંબંધીઓએ નાજાભાઇની શોધખોળ શરૂ કરતા  તરેડી ગામના પાટીયાથી ખાટસુરા ગામ તરફ જવાના રસ્‍તા પર રોડની સાઈડમાં આવેલ બાવળમાંથી નાજાભાઇ લોહી લુહાણ અને મળત હાલતે મળી આવ્‍યા હતા. તેમની બાજુમાં તેમનું બાઈક પણ મળી આવ્‍યું હતું, પંકજભાઈ અને તેમના સંબંધીએ નાજાભાઇના મળતદેહને મહુવા હોસ્‍પિટલ લઈ ગયા હતા.

હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમ અને પોલીસ કાર્યવાહી પૂરી થયા બાદ પંકજભાઈ તેમના ગામ તેમજ સથરા ગયા હતા, જ્‍યાં તેમને જાણવા મળ્‍યું હતું કે સથરા ગામના અશોક શામજીભાઈ સાંખટ, ચકુર વેલજીભાઈ મકવાણા અને રાહુલ મંગાભાઈ ભાલીયા એ ગઈકાલે રાત્રિના સથરા ગામમાં આવેલ વાઘાભાઈ માવજીભાઈ સાંખટની વાડીએ પાર્ટી કરી હતી અને તેઓએ તેમના કાકા નાજાભાઇને ત્‍યાં બોલાવી કોઈપણ બહાને તેમના કાકાને તેમની મોટરસાઇકલ સાથે તરેડી ગામના પાટીયા થી ખાટસુરા ગામ જવાના રસ્‍તે લઈ જઈ એક સંપ કરી કોઈ વસ્‍તુ વડે નાજાભાઇના માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી ફરાર થઈ ગયા હતા.

 આ બનાવ અંગે મળતક નાજાભાઇના ભત્રીજા પંકજભાઈ રૂખડભાઈ સોલંકી ( હે. વાઘનગર, તા. મહુવા) એ અશોક શામજીભાઈ સાંખટ, ચકુર વેલજીભાઈ મકવાણા અને રાહુલ મંગાભાઈ ભાલીયા (રહે. ત્રણેય સથરા, તા. મહુવા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમના કાકા નાજાભાઇ એ અશોક સાંખટ પાસેથી રૂપિયા લીધેલા હોય અને હાલ તેમની પાસે પૈસાની સગવડ ન હોવાથી તેઓએ પૈસા ચૂકવેલ ન હોય ત્રણેય આરોપીઓએ એક સંપ કરી તેમના કાકાની હત્‍યા કરી છે. આ બનાવ અંગે મહુવા ગ્રામ્‍ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:02 AM IST)