<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં દરરોજ વરસતા વરસાદથી ખેડુતોની હાલત કફોડી

ચોમાસાના ૪ મહિનામાં તૈયાર કરેલ પાક ઉપર પાણી ફરી વળતા ભારે નુકશાનઃ આખો દિવસ અસહ્ય ઉકળાટ

પ્રથમ તસ્‍વીરમાં જસદણ, બીજી તસ્‍વીરમાં બગસરા, ત્રીજી તસ્‍વીરમાં ગોંડલમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ કરશન બામટા, આટકોટ), સમીર વિરાણી(બગસરા) ભાવેશ ભોજાણી- ગોંડલ)

રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં દરરોજ સાંજના સમયે પડતા ભારે વરસાદથી ખેડુતોની હાલત કફોડી થઇ ગઇ છે. અને પાકને ભારે નુકશાન થયુ છે. આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી શહેરમાં કાલે ગાજવીજ સાથે સવા ઇંચ વરસાદ પડયો હતો.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જિલ્લામાં સતત વરસાદથી ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે અને ચાર માસ મહેનત કરી તૈયાર કરેલા પાક પર પાણી ફરી વળતાં નુકસાન વેઠવાનો વારો આવ્‍યો છે.

શરદપૂર્ણિમાની પૂર્વ સંધ્‍યાએ બુધવાર બપોર બાદ જુનાગઢ શહેર સોરઠના વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્‍યો હતો. જુનાગઢ શહેર ગિરનાર અને દાતાર પર્વત ક્ષેત્રમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો. આસો મહિનામાં અષાઢી માહોલને લઈને ગિરનાર પર્વત પરથી ઝરણા વહેતા થઈ ગયા હતા અને દામોદર કુંડમાં પુષ્‍કળ પાણી આવ્‍યું હતું. શહેરમાં ધોધમાર વરસાદથી વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા.

બુધવારે જુનાગઢ જિલ્લામાં વધુ એક થી ત્રણ ઇંચ વરસાદ થતાં ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. મગફળી સોયાબીન કઠોળ સહિતનો પાક તૈયાર થઈ ગયો છે ત્‍યારે આવેલા વરસાદથી ધરતીપુત્રોને મોંએ આવેલ કોળિયો જૂટવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવી છે છતાં જુનાગઢ જિલ્લામાં રોજ વરસાદ થઈ રહ્યો છે. જેના પરિણામે ખેતીનો પાક નિષ્‍ફળ જશે એ ઉપરાંત દવા બિયારણ મજૂરી સહિતનો ખેતી ખર્ચ પણ માથે પડતા ધરતીપુત્રોને માથે ઓઢીને રોવાનો વારો આવ્‍યો છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ જસદણ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ કાલે રાત્રે પડયો હતો. જસદણ સાણથલી, જસાપર, ગરણી ગામે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. સાણથલી ગામે મુખ્‍ય બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. ખેતરમાં પાણી ભરાતા કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરાઃ શહેરમાં સવારથી અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોર બાદ બગસરા તેમજ આજુ બાજુના ગામો જેવાકે સાપર, સુડાવડ,  મૂંજીયાસર,  રાફળા,  માણેકવાડા, જેવા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પાડ્‍યો હતો. જેના હિસાબે  વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને શહેરના મુખ્‍ય માર્ગો ઉપર જાણે નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્‍યો જોવા મળિયા હતા.જયારે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. બે દિવશ પહેલા જ ૩.૫ ઇંચ જેવો વરસાદ પડેલ હતો ત્‍યાર બાદમાં એક દિવશના વિરામ બાદ આજે ફરી પાછો અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્‍યો હતો. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. અને કુદરતે જાણે મોઢામાં આવેલ કોળિયો છીનવી લીધો હોય તેમ કપાશ,માંડવી તેમજ સોયાબીન જેવા પાકોમાં વ્‍યાપક નુકશાન થયું છે. જેના લીધે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.( તસવીર સમીર વિરાણી બગસરા)

(12:06 PM IST)