<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં શિયાળાના આગમનની છડી પોકારતી ઝાકળવર્ષા

મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડકનો ચમકારો : જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ

રાજકોટના મવડી - પાળ રોડ ઉપર વહેલી સવારે છવાયેલ ઝાકળવર્ષા નજરે પડે છે.

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ચોમાસા - માવઠાએ વિદાય લીધી હોય તેવું વાતાવરણ સર્જાયુ છે. આજે વહેલી સવારે શિયાળાના આગમનની છડી પોકારતી હોય તેવી ઝાકળવર્ષા થઇ હતી. જેના કારણે રસ્‍તાઓ ભીના થઇ ગયા હતા અને વાહન વ્‍યવહારને અસર પહોંચી હતી.

છેલ્લા થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છના અનેક વિસ્‍તારોમાં માવઠારૂપી વરસાદ પડતા પાકને નુકસાન થયું છે અને ખેડૂતોએ ચોમાસા દરમિયાન કરેલી મહેનત એળે ગઇ છે.

જો કે આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને વાદળા પણ વિખેરાયા છે. તેમજ વરસાદ પણ અટકી ગયો છે જેથી ખેડૂતોને હાશકારો થયો છે અને ફરી પાકની માવજત કરવા લાગ્‍યા છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો ચમકારો અનુભવાયો હતો. જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમી વધવા લાગે છે. બપોરના સમયે આકરા ઉનાળા જેવી ગરમી પડે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૮, મહત્તમ તાપમાન ૩૫, ભેજનું પ્રમાણ ૮૫%, પવનની ગતિ ૩.૯ કિ.મી. રહી હતી

(11:48 AM IST)