News of Friday, 18th October 2024
ખૂની હુમલામાં ઘાયલ જુનાગઢ પાસેના ગોલાધરના યુવાનનું સારવારમાં મોત : બનાવ હત્યામાં પલટાયો
મૃતક તેમજ તેના પત્નીની હત્યાની કોશિષ થઇ હતી : આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ : ખૂની હુમલામાં ઘાયલ જુનાગઢ પાસેના ગોલાધરનાં યુવાનનું સારવારમાં મોત થયા બનાવ હત્યામાં પલટાયો છે.
જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામના ૨૬ વર્ષીય જયભાઈ ગોપાલભાઈ કાલરીયા અને તેના ૨૩ વર્ષીય પત્ની મિતલબેન ઉપર ૧૦ ઓક્ટોબરના રોજ સાંજે ગોલાધરનો વિજય પ્રવીણ મકવાણા, તેના ૨ ભાઈ અજય તથા મિલને બાઈક રોકી પતિ, પત્ની ઉપર જૂની અદાવતથી લાકડી, પ્લાસ્ટિક તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરી યુવાનને ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયા હતા.
યુવાનની પત્નીને ‘તારા બાપને અમે મારી નાખેલ અને છૂટી ગયા છે શું કરી લીધું? આજે તમને બંનેને પણ મારી નાખવા છે.' તેમ કહી તૂટી પડી ખૂની હુમલો કરતા યુવકને ગંભીર ઈજા થવાથી પ્રથમ જૂનાગઢ અને બાદમાં અમદાવાદ સારવારમાં લઈ જતા જય કાલરીયાનું મળત્યુ નીપજ્યું હતું. જેના પગલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ સમયે ત્રણેય શખ્સ સામે તાલુકા પોલીસે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પીએસઆઇ ડી. કે. સરવૈયા, એસ. કે. ડામોરે આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી લઇ હુમલા માટે ઉપયોગમાં લીધેલા હથિયારો કબજે કર્યા હતા. બાદમાં પૂછપરછ કરી ત્રણેયને જૂનાગઢ જીલ્લા જેલમાં ધકેલી દીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી અજય મકવાણા સાથે મિતલે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ આપણે લગ્ન મિતલના પિતાને મંજૂર ન હોવાથી માથાકૂટો થતી રહેતી હતી અને ૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ અજય સહિતના શખ્સોએ મિતલના પિતાની હત્યા કરી નાખી હતી. બાદમાં છૂટાછેડા લઈને મિત્તલે જય કાલરીયા સાથે લગ્ન કર્યા હતા. આમ યુવતીને બે સ્વજન ગુમાવવાનો વારો આવ્યો હતો
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
