News of Friday, 18th October 2024
ર૮મીએ અમરેલી આવતા વડાપ્રધાનના કાર્યક્રમમાં રાજકોટથી ૭પ બસ ભરી લોકોને મોકલવા તંત્રને સુચના
૭પ એસ.ટી. બસમાં ૪ હજાર લોકોને મોકલવાની સંભાવનાઃ દરેક પ્રાંત તથા મામલતદારોને જવાબદારી : કાલે ફરીયાદ સંકલનમાં કલેકટર આ બાબતે નિર્ણય લેશેઃ ફુડ પેકેટ-પાણી બધું અપાશે

રાજકોટ તા. ૧૮: આગામી દિવાળી તહેવારો ઉપર જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અમરેલી આવી રહ્યા છે, અમરેલી જીલ્લામાં તડામાર તૈયારીઓ થઇ રહી છે.ભારતના વડાપ્રધાનના ર૮મીના અમરેલીના આ કાર્યક્રમ સંદર્ભે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી એસ.ટી. બસોમાં લોકોને મોકલવા, ગાંધીનગરથી આદેશો છૂટયા છે.
મળતી વિગતો મુજબ રાજકોટ કલેકટર તંત્રને પણ ૭પ એસ.ટી. બસમાં લોકોને અમરેલી મોકલવા આદેશો આવ્યા છે, આ સંદર્ભે કાલે સવારે ૧૧ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે કલેકટર કચેરી ખાતે ફરીયાદ-સંકલનની મીટીંગ મળનાર છે, જેમાં તમામ અધીકારીઓ તથા ધારાસભ્યો-સાંસદો પણ ખાસ હાજર રહેનાર છે.
કાલની બેઠકમાં કલેકટર દ્વારા આ અંગે મહત્વના નિર્ણયો લેવાશે. રાજકોટ કલેકટર તંત્ર ૭પ જેટલી એસ.ટી. બસમાં અંદાજે ૩પ૦૦ થી ૪ હજાર લોકોને મોકલશે, ફુડ પેકેટો-પાણીની વ્યવસ્થા પણ કરાશે, કલેકટર દ્વારા દરેક પ્રાંત-મામલતદારને આ બાબતે જવાબદારી અપાશે.
દરમિયાન એસ.ટી.ના ડીવીઝનલ નિયામક શ્રી કલોતરાનો સંપર્ક કરતા તેમણે ‘‘અકિલા''ને જણાવેલ કે હજુ અમારી પાસે બસો મંગાઇ નથી, સાંજ સુધીમાં કેટલી બસો જોઇશે તે આપી શકે છે. અત્રે એ નોંધનીય છે કે દિવાળી તહેવારો પર એસ.ટી.માં ચિકકાર ટ્રાફીક હશે, ર૮મીએ વાઘબારસનો તહેવાર છે, એમાં ૭પ બસો દેવી પડશે તો અનેક રૂટો રદ થશે, મુસાફરોમાં દેકારો બોલી જશે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
