News of Saturday, 19th October 2024
સાવરકુંડલામાં ટીઆરબી કર્મચારીનો જાગૃત નાગરિક સાથે અશોભનીય વર્તન કરતો વિડીયો વાયરલ થતા ચકચાર

(દિપક પાંધી દ્વારા)સાવરકુંડલા,તા. ૧૯: શહેરમાં લીમડી ચોક પાસે ઉભેલા ટીઆરબી જવાન ને ટ્રાફિક સંદર્ભે એક જાગળત નાગરિક દ્વારા ધ્યાન દોરવામાં આવતાં આ કર્મચારી દ્વારા ઉદ્ધત વર્તન કરતો વિડિયો વાયરલ થતા શહેર માં ચકચાર મચી જવા પામી છે સાવરકુંડલા ખાતે આવેલ લીમડી ચોક વિસ્તારમાંથી ત્રણ રસ્તાનાં ફાટાં પડે છે. અહીંથી હવેલી તરફ, મેઈનબઝાર તરફ અને મણીભાઈ ચોક તરફ જવા માટેના રસ્તાઓ હોય વાહનવ્યવહાર તથા લોકોની આવન જાવન ઘણાં પ્રમાણમાં જોવા મળે છે. વળી આ ચોકમાં અનેક દુકાનો પણ આવેલી છે એટલે ખરીદી માટે ગ્રાહકોની પણ અવરજવર રહે છે. આ ચોકમાં વાહનોનો જમાવડો પણ હોય છે. આડેઘડ પાર્કીંગ કરેલા વાહનોથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોય છે. વળી દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય ટ્રાફિક વધુ રહે એ સ્વાભાવિક છે. આ ચોકમાં ઉભેલા ટીઆરબી કર્મચારીને એક જાગળત નાગરિકે પોલીસ લખેલી કારને થોડી દૂર હટાવવા માટે નમ્ર ભાષામાં નિવેદન કરતાં સામેથી આ ટીઆરબી કર્મચારીએ આ કાર નહીં હટે અને જેમ ફાવે તેવી ભાષામાં તોછડાઈ અને ઉદ્ધત વર્તન કરેલ. આ સંદર્ભે આ બાબતનો વિડિયો પણ વાયરલ થયેલ છે.
આ સંદર્ભે વાયરલ થયેલ વિડિયોમાં એ કર્મચારી પોતાનું નામ પણ ઉચ્ચારી અને કાયદાને પણ પડકાર ફેકતો હોય તેવું જોવા મળે છે. વધુમાં અહીં બીજા બે ટીઆરબી કર્મચારીઓ પણ આ સંદર્ભે મૂક પ્રેક્ષક બની તમાશો જોતાં હોય તેમ એક કર્મચારી તો અમારે તો આ મેઈન રોડની ડ્યુટી છે અમે કશું ન કરી શકીએ એવો લૂલો બચાવ પણ કરતાં જોવા મળેલ છે. આ બનાવની સઘન તપાસ કરી આવા કહેવાતા કાયદાના રખેવાળોને માટે પણ સખ્ત કાર્યવાહી કરવી જરૂરી છે. જાગળત નાગરિકો સાથે જો આવું બનતું હોય તો ભલા ભોળા આમ આદમીને માટે તો આવા કર્મચારીઓ કેવું વલણ અખત્યાર કરતાં હશે. તેવો સવાલ પ્રબુદ્ધ નાગરિકો માં થઈ રહ્યો છે?
સાવરકુંડલાના કહેવાતા આવા કાયદાના રખેવાળોને તંત્ર દ્વારા કાયદાકીય પાઠ ભણાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ કર્મચારી આવું તુમાખીભર્યુ તોછડું અને ઉદ્ધત વર્તન કોઈ શહેરીજનો સાથે ન કરે તેવો સુર ઉઠી રહયો છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
