<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ભીમા દુલાની ૩ દિવસની રિમાન્‍ડ નામંજુરઃ જેલ હવાલે

આદિત્‍યાણાના બોરીચા નજીક રસ્‍તે ચાલવા પ્રશ્ને વૃધ્‍ધ ઉપર હુમલામાં ભીમા દુલા સહિત ૩ સામે ગુન્‍હો નોંધાયેલઃ પોલીસ તપાસમાં ભીમાના ઘેર દારૂ ઘાતક હથિયારો સહિત લાખોની રોકડ મળી આવી હતી : ભીમા દુલાની વાડીમાં પોલીસની તપાસમાં પ્રાણઘાતક હથિયારો જીવતા કાર્ટીસ અને ભારતીય બનાવટના દારૂની બોટલો મળી આવી હતીઃ ભીમા દુલા સામે પાસ પરમીટ વિના દારૂ રાખવા બદલ પોલીસે પ્રોહીબીશનનો ગુન્‍હો

(પરેશ પારેખ, પ્રકાશ પંડીત દ્વારા) પોરબંદર-આદિત્‍યાણા, તા., ૧૯: આદિત્‍યાણાના  બોરીચા નજીક ગત મહિનામાં  વળધ્‍ધ સાથે રસ્‍તે ચાલવા પ્રશ્ને ત્રણ  શખ્‍સોએ ઘાતક હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવના મુળ સુધી પહોંચીને પોલીસે આદિત્‍યાણાના  ભીમા દુલા ઓડેદરા સહિત તેના સાગરીતોની ધરપકડ કરી છે જેમાં ભીમાના ઘરેથી દારૂ ઘાતક હથિયારો સહિત રોકડ રકમ જપ્ત થઇ છે. મોડી સાંજે ભીમા દુલા ઓડેદરાને ત્રણ દિવસના રિમાન્‍ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો. જે ત્રણ દિવસની રીમાન્‍ડ કોર્ટે રિમાન્‍ડની માગણી નામંજૂર કરી હતી. ભીમા દુલાને જેલહવાલે કરેલ છે.

બોરીચા ગામ બસ સ્‍ટેન્‍ડની પાસે રહેતા ફરીયાદી દાનાભાઈ પુનાભાઈ  (ઉ.વ.૬૨) માલઢોર ચરાવવા માટે બોરીચા ગામથી બખરલા ગામ તરફ જતા ડામર રોડ પર જતા હતા તે દરમિયાન ત્રણ અજાણ્‍યા ઇસમો મોટર સાઇક્‍લ લઈ ફરીયાદી દાનાભાઈ પાસે આવી મોટર સાઇકલ ઉભી રાખી નીચે ઉતરી ગાળો દઈ એકદમ ઉશ્‍કેરાઈ જઈ ત્રણેય શખ્‍સોએ કોદારીના હાથાના ઘા મારી ઈજા કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે બગવદર પો.સ્‍ટે. ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો.

આ બનાવ બન્‍યાના ત્રણેક મહિના પહેલા ભીમા દુલા ઓડેદરાને ત્‍યાં કામ કરતા રામગર જેરામગર મેઘનાથી રહે આદિત્‍યાણા વાળા તથા બોરીચા ગામના રહેવાસી લખમણભાઈ મુછાર સાથે રસ્‍તા પર સાઇડ આપવા બાબતે બોલાચાલી અને ઝપાઝપી થયેલી અને આ બાબત રામગર જેરામગર મેઘનાથીએ ભીમા દુલાભાઈ ઓડેદરાને જણાવતા ભીમા દુલા ઓડેદરા પોતાની ૨ કારમા પોતાના માણસો સાથે પ્રાણ ઘાતક હથીયારો સાથે બોરીચા ગામ જઈ હાથ પગ ભાંગી નાખવાની ધમકીઓ આપી આવ્‍યો હતો.

ફરીયાદી દાનાભાઈ પુનાભાઈ ચાવડાને જ્‍યારે મોકો મળે ત્‍યારે માર મારવાનું નક્કી કરેલ અને ગત તારીખ તા.૨૪-૯-૨૦૨૪ના રોજ ભીમા દુલા ઓડેદરાએ પોતાના મળતીયાઓ જયમલ ઓઘડ કારાવદરા ઉ.વ.૨૭, રહે. રાણાવાવ ક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટની બાજુમાં પરેશ નગર તથા વનરાજ રામાભાઈ ઓડેદરા ઉ.વ.૨૬, રહે. મુળ મેઇન બજાર ખોડીયાર પાણ પાસે ખંભાળા ગામ મસરી લખમણ ઓડેદરા દરમિયાન ગુનાના મુળ સુધી પહોંચવા પોરબંદર એલ.સી.બી. દ્વારા ટેકનિકલ તથા હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ મારફતે તપાસ કરી રહેલ હતા.

દરમિયાન એલ.સી.બી. ટીમને સંયુક્‍ત રાહે બાતમી હકીક્‍ત મળેલ કે બોરીયા ગામે મારા મારી કરનાર શખ્‍સો હાલ રાણાવાવ પોસ્‍ટે વિસ્‍તારના બોરીચા ગામના પાટીયેથી ચાલીને પસાર થઇ રહેલ છે જે હકીકત આધારે ૩ ટીમો બનાવાઇ હતી. બાદમાં બેની અટકાયત કરી હતી. ભીમા દુલા ઓડેદરાના આદિત્‍યાણા ખાતેના ઘરે પકડવાના બાકી આરોપી મશરી લખમણ ઓડેદરા પણ છુપાવેલો હોવાની હકીક્‍ત તથા ગુનામાં ભીમા દુલા ઓડેદરાની સંડોવણીની હકીકત આધારે તેના ઘરે તપાસ કરવા. ૬ ટીમો બનાવવામાં આવેલી. ભીમા દુલા ઓડેદરાના આદિત્‍યાણા ખાતેના ઘરે રેઇડ કરતા ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરા તથા મળી આવતા બન્નેને હસ્‍તગત કરી ઘરની ઝડતી તપાસ તથા સર્ચ કરતા હથીયારો જેમાં બારબોર તથા એરગન તથા ધારીયા તથાકુહાડી તથા તલવાર તથા નાની છરીઓ તથા ભાલા સ્‍ટીક તથા નાના મોટા ધોકા તથા ગેડીયા તથા રોકડ રકમ મળી આવેલી છે. જે મળી આવેલ દારૂ તથા હથીયારો તથા રોકડ રકમ બાબતે કાયદેસર થવા આગળની ધોરણસર કાર્યવાહી હાલ ચાલુમાં છે. બોરિચા ખાતે મારામારીના કાવતરા, હથિયાર સહિતના ગુનામાં અટકાયત કરાયેલા ભીમા દુલા ઓડેદરાને મોડી સાંજે ત્રણ દિવસના રિમાન્‍ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો.  ભીમા ઓડેદરાના વકીલ ભરત લાખાણીની દલીલો માન્‍ય રાખી કોર્ટે રિમાન્‍ડની માગણી નામંજૂર કરતા જેલ હવાલે કરાયો હતો.

(11:15 AM IST)