<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

પરિક્ષાથી ધ્રુજવું નહી... પરિક્ષા ધ્રુજે તેવી તૈયારી કરવી : પૂ. મહંત સ્‍વામી મહારાજ

બીએપીએસ શ્રી સ્‍વામિનારાયણ વિદ્યામંદિરનો વાર્ષિક દિન - સ્‍વામી શ્રી જ્ઞાનજીવનદાસજી ગુરૂકુળનો ૫૯મો વાર્ષિકોત્‍સવ ઉજવાયો

(અશોક જોશી દ્વારા) ગોંડલ તા. ૧૯ : પ.પુ.મહંતસ્‍વામી મહરાજની દિવ્‍ય ઉપસ્‍થિતિમાં BAPS સ્‍વામિનારાયણ વિદ્યામંદિર,ગોંડલના વાર્ષિકદિનની ઉજવણી થઇ હતી.  સંસ્‍કાર, શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને વ્‍યક્‍તિત્‍વ વિકાસના ચંદરવા નિચે વિદ્યાની સોડમ પ્રસરાવતુ વિદ્યાતીર્થ, સ્‍વામીશ્રી જ્ઞાનજીવનદાસજી ગુરૂકુળનો ૫૯મો વાર્ષિકોત્‍સવ પ્રકટ બ્રહ્મ સ્‍વરૂપ ગુરુહરી મહંતસ્‍વામી મહારાજના સાન્નીધ્‍યમાં  ધામધૂમથી ઉજવાયો હતો.

સવારે સ્‍વામીશ્રીની પ્રાતઃપુજામાં વિદ્યાર્થીઓએ અદ્વુત કિર્તનભક્‍તી પ્રસ્‍તુત કરી. ત્‍યારબાદ પ.પુ.મહંતસ્‍વામી મહારાજે આર્શીવચનમાં ‘‘વિદ્યાર્થીઓએ અભ્‍યાસ ખુબ ધ્‍યાનથી કરવો. પરિક્ષાથી ધ્રુજવું નહિ,પરીક્ષા ધ્રૂજે તેવી તૈયારી કરવી. ફર્સ્‍ટ નંબર લાવવો.'' તેવી શીખ આપી હતી.

‘‘મુજ સંગાથે મહંતસ્‍વામી, હર પલ....હર સ્‍થલ...'' મધ્‍યવર્તી વિચાર સાથે વિવિધ રસપ્રદ કાર્યક્રમો રજૂ થયા. શબ્‍દ અને સંગીતના તાલે નળત્‍યાંજલીથી સ્‍વામીશ્રીના આગમનને વધાવ્‍યું. ચોટદાર સંવાદ દ્વારા મહંતસ્‍વામી મહારાજે વિદ્યાર્થીઓના મિત્ર કે પિતા બની અંગતરસ લઇ, જીવનનૌકાને મઝધારેથી કિનારે કઈ રીતે પહોંચાડી તેની રજૂઆત થઈ. ‘આજની યુવાનીના બે ચહેરાઃ એક ભવ્‍ય અને બીજો કરૂણ' તે વિષયક માઈમની ઉત્તમ પ્રસ્‍તુતિએ સૌને અભિભુત કર્યા. શિક્ષણમાં સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્‍વી તારલાઓ પર પ.પુ. મહંતસ્‍વામી મહારાજે સૌ પર કળપાઆશિષ વરસાવ્‍યા. વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરીમાં સ્‍વામીશ્રીએ અભ્‍યાસલક્ષી અને જીવનલક્ષી ઉત્તમ માર્ગદર્શન સાથે આશીર્વચન પાઠવ્‍યા. આમ, પરમ પુજ્‍ય મહંતસ્‍વામી મહારાજની પ્રત્‍યક્ષ ઉપસ્‍થિતિમાં ગુરૂકુળના ૫૯માં વાર્ષિકદિનની ભવ્‍ય ઉજવણી સંપન્ન થઈ હતી.

ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્‍યમના ધો.૬ થી ૧૨ સુધીના ૨૫૦૦ વિદ્યાર્થીઓ ગુરૂકુળમાં રહીને અભ્‍યાસ કરી રહ્યા છે. તેમજ ગોંડલ શહેરના વિદ્યાર્થીઓ માટે પણ અક્ષર મંદિર સામે એક સ્‍કૂલ કાર્યરત છે. જેમાં કે.જી.થી ધો.૧૨ સાયન્‍સ, કોમર્સ સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્‍યમના ૨૦૦૦ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે.

કોર્પોરેશન બેંકની બાજુમાં પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની પ્રેરણાથી જૂન,૨૦૧૮થી કન્‍યાઓ માટે ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્‍યમની સ્‍કૂલ કાર્યરત છે. તેમાં કે.જી.થી ધો.૧૨ સાયન્‍સ અને કોમર્સ સુધીની બંને માધ્‍યમની ૨૦૦૦ જેટલી કન્‍યાઓ સંસ્‍કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે. ત્રણેય સંકુલના મળીને કુલ ૬૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

(1:57 PM IST)