<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

પાટડીમાં ગેસની પાઇપ નીકળી જતા આગ લાગીઃ ૯ ગંભીર

ર મહિલા, બાળકો સહિત તમામને સુરેન્‍દ્રનગરની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૯: પાટડીમાં રસોઇ બનાવતા સમયે ગેસની પાઇપ લાઇન નીકળી ગઇ હતી જે બાદ આગ ફાટી નીકળી હતી.

આ ઘટનામાં એક જ પરિવારના નવ લોકો દાઝ્‍યા હતા. આગ લાગતા આજુ બાજુના વિસ્‍તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્‍યો હતો. બનાવની જાણ થતા જ ફાયરની ટીમ ઘટનાસ્‍થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગની ઘટના બાદ ૯ લોકોને સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આસપાસના લોકો તેમજ પરિવારના સગા સંબંધીઓ મોટી સંખ્‍યામાં હોસ્‍પિટલ ખાતે પહોંચી ગયા હતા.

પ્રાપ્‍ત માહીતી મુજબ પાટડીના પાંચાણી વાસમાં રહેતા મંગાભાઇ કેસભાઈ ઠાકોરના ઘેર એક દિવસ અગાઉ જ એમના દીકરાના લગ્ન હતા અને જાન સુલતાનપુર ગઈ હતી. ત્‍યારે આજે એમના ઘેર ખુબ મહેમાન હતા. ત્‍યારે મોડી રાત્રે સાડા આઠ વાગ્‍યાના સુમારે ઘરમાં મંજુબેન મંગાભાઈ ઠાકોર જમવાનું બનાવી રહ્યા હતા, ત્‍યારે અચાનક ગેસનો બાટલો ફાટતા ઘરમાં દોડધામ મચી જવા પામી હતી.

આ ગોઝારી ઘટનામાં ૪૦ વર્ષીય મંજુબેન મંગાભાઈ ઠાકોર સહિત એમનો ૨૦ વર્ષનો દીકરો વલાભાઇ મંગાભાઇ ઠાકોર, એમના બીજા દીકરા વિપુલભાઈની પત્‍નિ અને સાળો, ૩૨ વર્ષનો અશ્વિનભાઇ ગુલાભાઈ, જગદીશભાઈ દિલીપભાઈ સહિત અન્‍ય બે લોકો મળી કુલ ૭થી ૮ લોકો ગંભીર રીતે દાઝતા એમને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ વાનમાં તાકીદે પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્‍પિટલ ખાતે લઇ જવામાં આવ્‍યા હતા.

જ્‍યાં આ તમામ લોકો હાથે, પગે અને ચહેરાના ભાગે દાઝતા ફરજ પરના હાજર તબીબ દ્વારા એમને વધુ સારવાર અર્થે સુરેન્‍દ્રનગર સી. યુ. શાહ હોસ્‍પિટલ ખાતે લઇ જવામાં આવ્‍યા હતા. જયારે આ ગોઝારી ઘટનાની જાણ થતા પાટડી ઠાકોર સમાજના આગેવાન ગોગીભાઈ ઠાકોર, નાગજીભાઈ ઠાકોર, ચેતનભાઈ શેઠ અને લાલાભાઇ ઠાકોર સહિતના આગેવાનો પણ ઈજાગ્રસ્‍તો સાથે સુરેન્‍દ્રનગર સી. યુ.શાહ હોસ્‍પિટલ ખાતે દોડી ગયા હતા.

(11:59 AM IST)