<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

ઈકો સેન્સેટિવ ઝોનનાં વિરોધમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાનમાં : રાજેશ ચુડાસમાંએ કહ્યું -હું ખેડૂતોની સાથે છું

ઈકો ઝોન વિરુદ્ધનાં સંમેલનમાં ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા સહીત અન્ય કેટલાક નેતાઓ, સરપંચોએ પણ હાજરી આપી

ગીર સોમનાથમાં ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે. તલાલા મેંગો માર્કેટ ખાતે કિસાન સંઘનાં અધ્યક્ષ સ્થાને ઇકો ઝોન  વિરૂદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રમુખ અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા સહિત અન્ય કેટલાક નેતાઓ, સરપંચો પહોંચ્યા હતા. અહીં, સાંસદે આ મુદ્દે મૌન તોડયું હતું.

  તાલાલા ખાતે યોજાયેલા કિસાન સંઘનાં કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. તેમણે તમામ ખેડૂતોની માફી માંગી હતી અને કહ્યું હતું કે, ઇકો ઝોન મામલે પહેલા પણ ખેડૂતો સાથે હતો અને આજે પણ ખેડૂતો સાથે જ છું. જરુરી નથી કે પ્રત્યક્ષ રહીને જ કામ કરી શકાય. આપણી પાસે સમય ઓછો છે. લેખિતમાં રજૂઆતો કરો સંમેલનમાં સમય ન બગાડો. મે પણ મારા લેવલથી રજૂઆતો કરી છે. 

 સાંસદે આગળ કહ્યું કે, મારી પણ વિભાગો અને અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા થઈ છે. આગામી દિવસોમાં આંદોલન કરતા પહેલા ખેડૂતો ઓનલાઈન પોતાની વાંધા અરજી કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે ઇકો ઝોનનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે તાલાલા ખાતે કિસાન સંઘના નેજા હેઠળ તાલાલાના તમામ ગામોનાં સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતનાં સદસ્યોનું સંમેલન યોજાયું હતું, જેમાં ઇકો ઝોનનાં કાયદા સામે કંઈ રીતે લડવું અને કંઈ રીતે ઇકો ઝોનને પરત ધકેલવા ? આ તમામ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં કોઈપણ ભોગે ઈકો ઝોન નહીં લાવવાની માગ ઊઠી હતી. ખેડૂતોએ કહ્યું કે, જનપ્રતિનિધિઓનો ટેકો નહીં તો મતપેટીમાં જવાબ મળશે. આ સાથે એવો પણ દાવો કરાયો હતો કે ઈકો ઝોનનાં જાહેરનામામાં પણ ભેદભાવ કરાયો છે. સિંહોનું હબ ગણાતા મુખ્ય સાસણ-ગીર  ઈકો ઝોનમાંથી બાકાત રખાયા છે અને જ્યાં સિંહો નથી તેવા વિસ્તારોનો ઈકો ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.

(11:46 PM IST)