<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

વરસાદે ખેડૂતોની પથારી ફેરવીઃ કરોડોનુ નુકશાન

મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજીના પાક પાણીમાં તણાઇ જતા ખેડૂતોની માઠીઃ સવારે ઠંડક સાથે મિત્ર હવામાન

પ્રથમ તસ્‍વીરમાં જસદણ, બીજી તસ્‍વીરમાં આટકોટ, ત્રીજી તસ્‍વીરમાં વાંકાનેર પંથકમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : નરેશ ચોહલીયા (જસદણ), કરશન બામટા (આટકોટ), લિતેશ ચંદારાણા (વાંકાનેર)

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસાની વિદાય પછી હવે માવઠાએ માઠી બેસાડી છે. દરરોજ વરસતા કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની માવઠાએ પથારી ફેરવી દીધી છે. અને તૈયાર પાકને ભારે નુકશાન થયું છે. દરરોજ વરસતા કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. અને ઠેરઠેર પાણી ભરાઇ જાય છે.

વાંકાનેર

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર : વાંકાનેર શહેર તથા ગ્રામ્‍ય પંથકમાં દિવસભર ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ કાલે વાતાવતરણમાં અચાનક પલ્‍ટો આવ્‍યા હતો. અને ભારે ગાજ-વીજના કડાકા - ભડાકા અને તેજ પવનની ગતી સાથે મેઘરાજાની તોફાની બેટીંગ શરૂ થઇ હતી. વરસાદ શરૂ થતાની સાથે જ લાઇટો ગુલ થઇ જતા જ રાહદારીઓ અને ખાણી-પીણીના ધંધાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ વરસાદથી ખેડૂતોની ઉપજ જણસીની ભારે નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :  ગોંડલ શહેર પંથકમાં સાંજના ચાર વાગ્‍યાના સુમારે અચાનક વાતાવરણ પલટાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયું હતું અને રાત્રી જેવો અંધાર પટ સર્જાયો હતો શહેરમાં છૂટા છવાયા ઝાપટા વરસ હતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્‍યા હતા જ્‍યારે તાલુકાના સુલતાનપર રાણસીકી દેવળામાં બે થી ત્રણ ઇંચ અને પાંચિયાવદરમાં અઢી ઇંચ જેવો વરસાદ વરસ્‍યો હતા ખેડૂતોની ચિંતા વધી હતી સીમ વિસ્‍તારોમાં મગફળી નાં પથરા સહિતનો મોંઘામુલો માલ વરસાદી પાણીમાં તણાયો હતો.

જસદણ

(નરેશ ચોહલીયા) જસદણ :  જસદણ પંથકમાં બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને ધોધમાર ૪ ઈંચ જેટલો વરસાદ પડ્‍યો હતો. જેના કારણે જસદણના માધવીપુર ગામે આવેલો શિવસાગર ડેમ ઓવરફલો થઈ ગયો હતો. જસદણ પંથકમાં લીલાપુર, કાળાસર, કમળાપુર, આંબરડી અને આટકોટ સહિતના ગામોમાં અનરાધાર વરસાદ પડતાં નદી-નાળા છલકાઈ ગયા હતા અને ખેડૂતોએ તેમના ખેતરોમાં પાથરેલા મગફળીના પાથરા પાણીમાં તરવા લાગતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું હતું. જસદણ પંથકમાં પડેલા અનરાધાર વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્‍યાપક નુકસાન થયું હતું. જેથી રાજ્‍ય સરકાર દ્વારા વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ :. આટકોટ માં ધોધમાર એક ઈંચ વરસાદ ખાબકયો હતો ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી ખેતરમાં ઉપાડેલી મગફળી પાક ને નુક્‍સાની પહોંચી હતી તેમજ ભારે પવન નાં કારણે કપાસ નાં પાક ને નુક્‍સાની પહોંચી હતી કમોસમી માવઠા ના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. એક કલાક વરસાદ  વરસ્‍યો હતો હવે ખેડૂતો વરસાદ બંધ થાય તેવી ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા છે. ખેતરોમાં મગફળી પાક ને નુક્‍સાની થઇ છે.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ :

ધોરાજી શહેર અને પંથકમાં છેલ્લા આઠ દિવસથી ભારે બફારા બાદ દરરોજ સાંજના સમયે વરસાદના અમી છાંટણા તો કયાંક ભારે વરસાદ નોંધાતો આવ્‍યો છે ત્‍યારે ફરી આજે રવિવારે બપોરના સમયે ભારે બફારા બાદ આસો એ અષાઢી મહોલ એ ઙ્કકારનો વાતાવરણ સર્જાતા એક કલાકમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો અને ધોરાજી શહેર અને પંથક માં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ ધોરાજી શહેરના સ્‍ટેશન રોડ જેતપુર રોડ ત્રણ દરવાજા ગેલેક્‍સી ચોક ચકલા ચોક હોકળા કાંઠા રોડ નદી બજાર વગેરે વિસ્‍તારોમાં પાણી ભરાણા હતા તેમજ હાલમાં દિવાળી પર્વ ચાલતો હોય અને ફટાકડા નો પણ વેચાણ શરૂ થઈ ગયું હોય આવા સમયમાં વરસાદ શરૂ થતા ખેડૂતોને તેમજ આમ જનતાને અને વેપારીઓને પણ નુકસાની વેઠવી પડી હોય તેવા સંજોગો ઊભા થયા છે.

(11:34 AM IST)