News of Monday, 21st October 2024
સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી વિજય માટે નહિ : પૂ.મોરારીબાપુ
મહાભારતના તત્ત્વ ચિંતન સાથે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાકીડીમાં રામકથા 'માનસ પિતામહ' શ્રવણ લાભ લેતાં ભાવિકો

(મૂકેશ પંડિત દ્વારા)ઈશ્વરિયા સોમવાર તા.૨૧ : મહાભારતનાં તત્ત્વ ચિંતન સાથે મહુવા પાસેનાં કાકીડીમાં ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી છે, વિજય માટે નહિ.! ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ પિતામહ' શ્રવણ લાભ લઈ રહ્યાં છે.
સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિ સંદર્ભે રામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ધર્મની આવશ્યક વ્યાખ્યા આપી. સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી છે, વિજય માટે નહિ.! ધર્મ યુદ્ધ માટે નહિ પણ નિવારણ માટે હોવો જોઈએ. આજે સંઘર્ષને રોકે તેવાં ધર્મની જરૂર છે.
કાકીડી ગામે ' સિંહાસન પર ત્રિભુવન સાંઈ, દેખિ સુરન્હ દુંદુભિ બજાઈ... ' ચોપાઈ કેન્દ્રમાં રાખી શ્રી મોરારિબાપુએ આજે ત્રીજા દિવસની કથામાં કુંતા, ગાંધારી, દ્રૌપદી, દમયંતી તથા સાવિત્રી શક્તિ પાત્ર સાથે કર્ણ પ્રસંગોનું વર્ણન કર્યું અને કહ્યું કે, જ્ઞાન એ તેજ માંગે છે, ભક્તિ એ રસ માંગે છે.
શ્રી મોરારિબાપુએ કથા વર્ણનમાં જણાવ્યું કે, મહાભારતમાં શોક અને ચિંતા બે મુખ્ય રોગ છે, ભૂતકાળનો શોક અને ભવિષ્યકાળની ચિંતા. જીવનનાં આ બે મોટા રોગ નિવારણમાં શોકની દવા વૈરાગ્ય અને ચિંતાની દવા વિશ્વાસ છે, જ્યારે વર્તમાન કાળની પિડા નિવારણ માટે વિચાર નિર્ણય અનિવાર્ય ગણાવ્યો.
રામકથાનાં ત્રીજા દિવસે અહીંનાં રામજી મંદિર અને શ્રી ત્રિભુવનદાદાનાં સ્મરણ રજૂ કરીને વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ તુલસીદાસજી દ્વારા લખાયેલ માનસ મહાત્મ્ય રજૂ કર્યું હતું.
ભાવિક શ્રોતાઓ આ કથા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અહીંયા પ્રભુ પ્રસાદ ભોજનનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
