<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

લવજેહાદનું ષડયંત્ર: હિન્દુ બનેલા મુસ્લિમ યુવાન જિયાદે ૨૮ છોકરીઓને ફ્રેન્ડશિપ સાથે "હાય..."ના મેસેજ મોકલ્યા'તા

સોશ્યલ મીડિયા ઉપર જિહાદે ૬ કિશ્ચિયન અને ૨૨ હિન્દુ છોકરીઓને મેસેજ કર્યા હોવાનું ખુલ્યું મોટા કડાકા ભડાકા થવાની શક્યતા : જો કોઇ યુવતી રિપ્લાય આપે તો કૈસી હો, કહા રહેતી હો એવા સવાલો સાથે ચેટ આગળ વધારતો : મંદિરના દર્શન કરતા ફોટા પણ મોકલ્યા હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : લવ જેહાદ સમસ્ત દેશમાં અત્યારે ચર્ચાનો વિષય બની છે. અન્ય ધર્મની છોકરીઓને ફસાવવા માટે ધર્મ સાથે પોતાની ઓળખ બદલાવી મુસ્લિમ યુવાનો દ્વારા કરાઈ રહેલ કૃત્ય એ ષડ્યંત્ર હોય એવી ચર્ચા છેડાઈ છે. 

        કચ્છના ચકચારી લવ જેહાદ પ્રકરણમાં સગીરા સાથે દુષ્કર્મ કરી તેના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ચીમકી આપનાર જિયાદ ઉર્ફે સમીર લતીફ શેખે પોતાનું નામ બદલાવી હિન્દુ નામ ધારણ કર્યું હતું. એટલું જ નહીં મંદિરના દર્શન કરતા ફોટા પણ મોકલ્યા હતા. પોલીસ ફરિયાદ બાદ આ જિયાદ ઉર્ફે સમીર લતીફ શેખની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 

       આ પ્રકરણની તપાસ કરી રહેલ એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયનના જણાવ્યા પ્રમાણે રિમાન્ડની પૂછપરછ દરમ્યાન તેની ફેસબુક આઈડીમાં તેણે ૨૮ છોકરીઓને ફ્રેન્ડશિપ માટે હાય ના મેસેજ મોકલ્યા હોવાનું ખૂલ્યું છે. હિન્દુ નામ જિગર ધારણ કરી આ મુસ્લિમ યુવાન તેના મેસેજનો જો કોઇ યુવતી રિપ્લાય આપે તો કૈસી હો, કહા રહેતી હો એવા સવાલો સાથે ચેટ આગળ વધારતો હતો. 

પૂના રહેતો આ મુસ્લિમ યુવાન મૂળ કચ્છની અને હાલ મુંબઈ રહેતી હિન્દુ છોકરી માટે બે વાર કચ્છ પણ આવી ગયો હતો. જોકે, આ કેસમાં પોલીસ ઊંડી તપાસ કરે તો હજી મોટા કડાકા ભડાકા થશે.

(9:23 AM IST)