News of Tuesday, 22nd October 2024
કચ્છના નખત્રાણામાં ઘરેલું કંકાસમાં પતિએ ઝેરી ટીકડા ખાઈ પત્નીને છરી ભોંકી: પતિનું મોત
ધાબળા વેંચતા શ્રમજીવી પરિવારમાં પતિ પત્ની વચ્ચે ચાલતો ઘરકંકાસ બે સંતાનો માટે આઘાતજનક બન્યો

( વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : લોકોમાં ઘટી રહેલી સહનશક્તિના કારણે અત્યારે ઘરેલું કંકાસ દરમ્યાન જીવ દેવાના અને હત્યા કરી જીવ લેવાના બનાવો ચિંતા સર્જે છે. કચ્છના નખત્રાણામાં રહી ફેરી કરી ધાબળા વેંચતા શ્રમજીવી પરિવારમાં પતિ પત્ની વચ્ચે ચાલતો ઘરકંકાસ બે સંતાનો માટે આઘાતજનક બન્યો હતો. રાજકુમાર પ્યારેલાલ વનિયા અને તેમની પત્ની રીના બંને વચ્ચે કંકાસ ચાલતો હોઈ પતિ અને પત્ની અલગ રહેતા હતા. પતિ ૧૨ વર્ષીય પુત્રી અને પત્ની ૧૭ વર્ષીય પુત્ર સાથે રહેતી હતી. રાજકુમાર ઝેરી ટીકડા ખાઈ પત્નીના ઘેર પહોંચ્યો હતો અને પત્ની કાંઈ સમજે એ પહેલાં તેને છરી ભોંકી દીધી હતી. જોકે, ઝેરી ટીકડાની અસર થતાં રાજકુમાર મોઢામાં ફીણ સાથે ઢળી પડ્યો હતો. બંનેને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં પતિ રાજકુમારનું મોત નીપજ્યું હતું. પત્ની રીના ગુપ્તા સારવાર હેઠળ છે. પોલીસે મૃતકના પરિવારજનોને યુપી થી બોલાવી આ બનાવની તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
