<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

જસદણના શિવરાજપુરમાં દલાલો દ્વારા દીકરીઓને રૂપિયાની લાલચે વેંચી નાખવાનું કારસ્‍તાનઃ ફરિયાદ

દલિતવાસની દીકરીઓને પહેલા વિશ્વાસમાં લઇ નરાધમ દલાલો લાખો રૂપિયાની કમાણી કરવા વેંચી નાખતા હોવાનો આક્ષેપઃ શિવરાજપુર ગામના યુવાન દ્વારા પોતાની બહેનને દલાલો દ્વારા વેંચી નાખવામાં આવી હોવાના આક્ષેપો સાથે જસદણ પોલીસ સ્‍ટેશનમાં અરજી આપતા ચકચાર

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૨: જસદણના શિવરાજપુર ગામે દલાલો દ્વારા પુખ્‍તવયની દીકરીઓને રૂપિયાની લાલચે વેંચી નાખવાનું કારસ્‍તાન ચલાવવામાં આવતું હોવાની શિવરાજપુર ગામે રહેતા નિશાદભાઈ ભીમજીભાઈ રાઠોડ નામના યુવાન દ્વારા જસદણ પોલીસ સ્‍ટેશનમાં અરજી કરવામાં આવી છે.

અરજીમાં તેમણે જણાવ્‍યું છે કે, જસદણના શિવરાજપુર ગામે દલિતવાસમાં રહેતી ગરીબ માં-બાપની દીકરીઓને ભગાડી જવાના અવારનવાર બનાવો બની રહ્યા છે.

શિવરાજપુર ગામના દલિતવાસમાં ગત વર્ષે ગરીબ ઘરની દીકરીને કોઈ અજાણ્‍યો વ્‍યક્‍તિ ભગાડીને લઈ ગયો હતો અને થોડા દિવસો બાદ તેની લાશ મળી આવી હતી  દલિતવાસની દીકરીઓ સાથે અવારનવાર આવા ભયંકર બનાવો બની રહ્યા છે.

ગરીબ ઘરમાં રહેતી અને ગરીબ માં-બાપની દીકરીઓને નરાધમ દલાલો સુખ-સમળદ્ધિના સપના બતાવી અને પહેલા વિશ્વાસ ઉભો કરે છે બાદમાં સામેના આસામી સાથે આવી ગરીબ ઘરના માં-બાપની દીકરીઓને લાખો રૂપિયામાં વેંચી દેવામાં આવે છે.

લાખો રૂપિયાની લાલચે ગરીબ ઘરની દીકરીઓનો વેપલો કરનાર નરાધમ દલાલો દીકરા પક્ષ પાસેથી કોર્ટમાં લગ્ન કરી આપવાની શરતે લાખો રૂપિયા લઈ ગરીબ ઘરની દીકરીઓને ભગાડવાનો વેપલો કરે છે.

દીકરીઓને ભગાડનાર દલાલો બોલવામાં હોશિયાર અને ચતુર હોય છે જેથી મને બીક છે કે મારી ગરીબડી બહેન વનિતાબેન ભીમજીભાઈ રાઠોડ ઉ.વ.૨૧સાથે ઘણા લોકો બળાત્‍કાર ગુજારતા તો નહી હોય ને? જેની મને શંકા છે. મારી બહેન વનિતા અમારા ઘરેથી ગત તા.૧૮ ના સાંજના ૫ થી ૬ વાગ્‍યા આસપાસથી ગુમ થયેલ છે અને શિવરાજપુર ગામે દલિતવાસમાં રહેતા વર્ષાબેન રાજુભાઈ પરમાર, દિપક રાજુભાઈ પરમાર, રાજુ હીરાભાઈ પરમાર, ગોવિંદ જેઠાભાઈ પરમાર અને વાલજી દેહાભાઈ પરમાર નામના વ્‍યક્‍તિઓએ ભગાડી મૂકી હોય તેવી અમને શંકા છે.

હાલ મારી બહેન કયાં છે તેઓ જાણતા હોય તેવું અમને લાગે છે. કારણ કે મારી બહેન આ લોકોના સંપર્કમાં હતી અને ગત તા.૧૮-૧૦ ના સાંજે ૫ થી ૬ વાગ્‍યાના અરસામાં ગુમ થયેલ છે.

મારી બહેન ગુમ થયા બાદ ઉપરોક્‍ત વ્‍યક્‍તિઓ સુમસામ રહી પોતાના ઘરમાંથી બહાર પણ નીકળતા નથી. અમારા દલિતવાસમાં દેકારો થવા છતાં ઉપર મુજબના શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓ મૌન સેવીને બેઠા હતા. આ બનાવના બીજા દિવસે એટલે કે તા.૧૯-૧૦  ના રોજ શિવરાજપુર ગામેથી વર્ષાબેન રાજુભાઈ પરમાર અને રાજુ હીરાભાઈ પરમાર બન્ને મજુરી કરવાના બહાને રાજકોટ ભાગી ગયા છે. જેથી અમને ૧૦૦ ટકા શંકા છે કે મારી બહેનને તેના કોઈ સગા-વ્‍હાલામાં જ વેંચી નાખેલ છે.

વર્ષાબેન રાજુભાઈ પરમાર પહેલાથી જ આ બાબતમાં ઙ્કખ્‍યાત છે અને તેનો પતિ રાજુ પરમાર પણ તેની પત્‍નીના ટેકામાં છે. જેથી ઉપર મુજબના વ્‍યક્‍તિઓ દ્વારા મારી બહેનને રૂપિયા લઈને વેંચી નાખવામાં આવેલ છે તેવી અમને શંકા છે. આ પાંચેય વ્‍યક્‍તિઓના સગા-વ્‍હાલાઓ દ્વારા જ મારી બહેનને લગ્નની લાલચે છુપાવવામાં આવેલ હોય તેવી અમને શંકા છે.

આ લોકો દીકરીઓને ભગાડીને વેચવાના ધંધા જ કરે છે પહેલા આ લોકો સગા-વ્‍હાલામાં દીકરીઓને છુપાવી દે છે અને પછી ન માને તો દીકરીઓને બારોબાર વેંચી મારે છે. જેથી ઉપરોક્‍ત તમામ લોકોની જસદણ પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે.આ બનાવની અરજી થતા આવતા ચકચાર મચી ગઈ છે.

વર્ષાબેન અને તેનો પતિ રાજુ પરમાર પહેલાથી જ પ્રખ્‍યાત છેઃ નિશાદ રાઠોડ

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૨૨: જસદણ પોલીસને અરજી કરનાર નિશાદ રાઠોડનાં જણાવ્‍યા મુજબ મારી બહેન વનિતાબેન જેઓ બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરની છે.આજથી ૧૮ વર્ષ પહેલા મારા માતાનું અવસાન થયેલ છે અને મારી મોટી બહેન સાસરે હોવાથી મારી બહેન વનિતાબેન અમને રોટલા ઘડીને આપતી હતી પરંતુ તેને અમારા જ ગામના લોકોએ રૂપિયાની લાલચે ભગાડી મૂકીને તેના સગા-વ્‍હાલાને વેંચી દીધાની અમને શંકા છે.

અમે આ બાબતે જસદણ પોલીસ સ્‍ટેશનમાં અરજી પણ આપેલ છે. હાલ અમે બે ભાઈઓ અને મારા પિતાને કોઈ રોટલા ઘડી દે તેવું રહ્યું નથી. અમારા દલિતવાસમાંથી છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયમાં પાંચ દીકરીઓને વર્ષાબેન રાજુભાઈ પરમાર, દિપક રાજુભાઈ પરમાર, રાજુ હીરાભાઈ પરમાર, ગોવિંદ જેઠાભાઈ પરમાર અને વાલજી દેહાભાઈ પરમાર નામના દલાલો લાખો રૂપિયાની લાલચે દીકરા પક્ષ પાસેથી દીકરીનાકોર્ટમાં લગ્ન કરી આપવાની શરતે લાખો રૂપિયા લઈ ગરીબ ઘરની દીકરીઓને ભગાડવાનો વેપલો કરે છે.

આ લોકોની જસદણ પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારા ગરીબ માવતરના દીકરાની ફરિયાદ છે. (૨૨.૧૨)

(1:25 PM IST)