<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

જુનાગઢમાં ગળાના ભાગે છરી રાખી યુવાન પાસેથી ૨૬.૮૦ લાખની રોકડની લુંટ

કાળવા ચોક ખાતેની સમી સાંજની ઘટનાઃ ૩ શખ્‍સ સામે રાજકોટના યુવકની ફરિયાદઃ પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૨: જૂનાગઢમાં ગળાના ભાગે છરી રાખી રાજકોટના યુવાન પાસેથી ૨૬.૮૦ લાખની રોકડની લૂંટ થતા સનસનાટી મચી ગઈ હતી. શહેરના કાળવા ચોક ખાતેની લૂંટની ઘટનામાં જૂનાગઢના ૩ શખ્‍સ ગઈકાલ સાંજથી પોલીસે તપાસ હાથધરી છે.

લૂંટના આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના દફતરે નોંધાયેલી એવી ફરિયાદની વિગતો એવી છે કે, રાજકોટમાં દૂધસાગર રોડ પર આવેલ ભગવતી સોસાયટીમાં રહેતા રમજાન હારુનભાઈ ઉઠમના ઉ. વ. ૩૦ નામના યુવાનને મયુરસિંહ સોલંકી જુનાગઢમાં રૂપિયા ૨૬.૮૦ લાખની રોકડ રકમ જૂનાગઢમાં આંગડિયુ કરવા માટે આપ્‍યા હતા. આ રૂપીયા લઇ યુવાન જુનાગઢનો અયાન ઉર્ફે પાંચીયો સાથે આંગડીયુ કરવા માટે ગયો હતો. પરંતુ મયુરસિંહ સોલંકીએ આંગડીયુ કરવાની ના પાડી હતી. આથી રૂપીયા લઇ ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્‍યે જૂનાગઢના કાળવા ચોકમાં આવેલ મોર્ડન લસ્‍સીની સામે રમજાન હારુન અયાન ઉર્ફ પાંચિયોના મિત્ર સાથે પરત આવતો હતો. ત્‍યારે અયાન ઉર્ફે પાંચીયોએ મોકલેલ તેના મિત્રો રમીનખાન ઉર્ફે ભાવનગરી અને સાહિલ દલએ યુવાન પાસે રહેલ ૨૬.૮૦ લાખ રૂપીયા ભરેલ થેલો યુવાનના ગળાના ભાગે છરી રાખી, ઇજા કરી, મારી નાખવાની બીક બતાવી રૂપીયા ભરેલ થેલાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા.

આ અંગેની જાણ થતાં એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યાનાં માર્ગદર્શનમાં એ ડિવિઝનના પીઆઈ બી. બી. કોળી, એલસીબીના પીઆઈ જે. જે. પટેલ, એસઓજી, તાલુકા પોલીસ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી.

રાત્રે ૯: ૧૫ વાગ્‍યે રમઝાન હારૂનની ફરિયાદ લઈ રૂપિયા ૨૬.૮૦ લાખની રોકડ રકમની લૂંટનો ગુનો અયાન ઉર્ફે પાંચિયો, રમીનખાન ઉર્ફે ભાવનગરી અને સાહિલ દલ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીઆઇ કોળી ચલાવી રહ્યા છે.

(10:45 AM IST)