News of Tuesday, 22nd October 2024
કેશોદ વિસ્તારમાં ત્રણ ઇંચ વરસેલા વરસાદે મગફળીના તૈયાર પાકનો સોથ વાળી દીધો
અસરગ્રસ્તોને તાત્કાલીક સહાય ચુકવો

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.રરઃ આ વિસ્તારમાં છેલ્લા બે દિવસ દરમ્યાન વરસેલા ત્રણ ઇંચ વરસાદે ખેતરમાં પડેલી મગફળીનો સોથ વાળી દીધો હતો આથી અસરગ્રસ્ત ખેડુતોને તાત્કાલીક અસરથી નિયમ મુજબ સહાય ચુકવવા માટે મેસવાણ ખાતે મળેલી ખેડુતોની બેઠકમાં માંગણી ઉઠવા પામી છે.
અહીંથી સાત કિલોમીટર આવેલ તાલુકાના મેસવણ ગામે ભારતીય કિશાન સંઘના પ્રમુખ શ્રી ભરતભાઇ લાડાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જણાવાયુ હતું કે, આ વિસ્તારમાં છેલ્લા બે દિવસ દરમ્યાન ત્રણ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. જેના પરિણામે ખેતરમાં પડેલા તૈયાર મગફળીના પાથરા તણાય ગયા છે. અથવા તો તેને ભારે નુકશાન થયુ છે. અને ઘાસચારો તો સાફ થઇ ગયેલો છે. જે ખેડુતોએ મગફળી જમીનમાંથી ઉપાડી ખેતરમાં પાથરા કર્યા હતા અથવા તો ઢગલા કર્યા હતા. તેને પારાવાર નુકશાન થયુ છે. આ સ્થિતિમાં આવા અસરગ્રસ્ત ખેડુતો માટે તો મગફળીની ઉપજના નામે ભારે મોટુ નુકશાન થયુ છે.
ભરતભાઇ લાડાણીએ વધુમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી ૨૦૧૯ થી પાક વિમાની યોજના બંધ કરી તેના સ્થળે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને તેમાં એમ જણાવાયુ છે કે જો આવી સ્થિતિમાં બે ઇંચ અથવા તો તેનાથી વધારે વરસાદ પડે તો મુખ્યમંત્ર કિશાન સહાય યોજના હેઠળ મદદરૂપ થવુ તેના બદલે અત્યારે આ વિસ્તારમાં ત્રણ ઇંચ જેવો વરસાદ થયો છે જેથી આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડુતો આ દાયરામાં આવી જાય છે. જેથી તેમને તાત્કાલીક આવી મદદ મળવી જોઇએ.
આ વરસાદથી સાચી મુશ્કેલીતો જે નાના અને માત્ર પોતાની આ નાનકડી ખેતી જ આજીવિકાનું સાધન તેમના માટે છે મગફળી થશે તો આટલુ કરશુ, ઘંઉ થશે તો આટલુ કરશુ તેવા સ્વપ્ના સેવેલા હોય છે તેના બદલે મગફળીનો હાથમાં આવેલ પાક ઝુંટવાય જાય તો તેના આવા નકકી કરેલા પ્લાનીંગ ખોરવાય જાય છે એ પણ એક નકકર હકિકત છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
