<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

શાપર-વેરાવળ એસો.ની સાધારણ સભા યોજાઇઃ ત્રણ સ્‍કૂલના વિદ્યાર્થીઓને શિલ્‍ડ-રોકડ પુરસ્‍કાર અપાયાઃ ધારાસભ્‍ય ટીલાળાનું બહુમાન

રાજકોટ : શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનની વર્ષ ર૦ર૩-ર૪ ની સાધારણ સભા તેમજ શાપર પ્રાથમિક શાળા-ર, વેરાવળ પ્રાથમિક શાળા-ર, પારડી પ્રાથમિક શાળા-૧ ના તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિલ્‍ડ અને રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સંસ્‍થાના પ્રમુખશ્રી સ્‍વ. કિશોરભાઇ ટીલારા અને ભારતના પ્રતિષ્‍ઠિત ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ સ્‍વ. રતન ટાટાને બે મિનિટનું મૌન પાળી શ્રધ્‍ધાંજલી આપવામાં આવી.  સંસ્‍થાના ચેરમેન અને ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ ટીલાળા, અરવિંદભાઇ પાન, પરસોતમભાઇ ટીલારા, રમેશભાઇ ખીચડીયા, અતુલભાઇ પંડયા, ધીરૂભાઇ ધાબલીયા, જગદીશભાઇ કોટડીયા, વી. પી. વૈષ્‍ણવના હસ્‍તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. સંસ્‍થાના ઉપપ્રમુખશ્રી અમૃતભાઇ ગઢીયાએ તેમના સ્‍વાગત પ્રવચનમાં સંસ્‍થા વતી સર્વે મહેમાનો, કારોબારી સભ્‍યો, સંસ્‍થાના સભ્‍યો અને વિદ્યાર્થીઓને હાજર રહેવા બદલ આભાર વ્‍યકત કરી સરકારશ્રીના ઔદ્યોગિક લેવાયેલ નિર્ણયની જાણકારી આપેલ. આ તકે ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળાનું એસોસીએશનનાં તમામ કારોબારી સભ્‍યશ્રીઓ દ્વારા સન્‍માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં સાધારણ સભાના એજન્‍ડા મુજબ ઠરાવો પસાર કરેલ તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ તેમજ પ્રાથમિક શાળાના તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિલ્‍ડ અને રોકડ પુરસ્‍કાર આપવામાં આવેલ. આ તકે સદભાવના વૃધ્‍ધાશ્રમના પ્રતિનિધિ ધીરૂભાઇ કાનાબાર હાજર રહેલ અને રાજકોટમાં ર૪ નવેમ્‍બર થી ૧ ડીસેમ્‍બર સુધી  યોજાનાર પૂજય મોરારીબાપુની રામકથામાં પધારવાનું આમંત્રણ આપેલ તેમજ સંસ્‍થાની કામગીરીની ડોકયુમેન્‍ટ્રી સ્‍ક્રીન ઉપર દર્શાવવામાં આવેલ.  આ તકે રાજકોટ ચેમ્‍બર્સ ઓફ કોમર્સના  પ્રમુખશ્રી વી. પી. વૈષ્‍ણવ, ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી રાજીવભાઇ દોશી, લઘુ ઉદ્યોગ ભારતી-રાજકોટ શ્રી જયભાઇ માવાણી, વાવડી ઇન્‍ઙ એસો.ના પ્રમુખશ્રી હસુભાઇ સોરઠીયા, રાજકોટ હાર્ડવેર મેન્‍યુફ્રેકચર પ્રમુખશ્રી મનીષભાઇ પટેલ તેમજ વિવિધ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનના પ્રતિનિધિઓ, શાપર સરપંચશ્રી જયેશભાઇ કાકડીયા, સંસ્‍થાના સભ્‍યો પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપેલ. સંસ્‍થાના ઉપપ્રમુખશ્રી રતિભાઇ સાદરીયા આભાર માનેલ, રાષ્‍ટ્રગાન કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ હતું.

(11:14 AM IST)