News of Tuesday, 22nd October 2024
બંબાટ નીકળેલા વાહનથી બચવા પાછળ હટવા જતાં પડી ગયાઃ ૭૧ વર્ષના મેણંદભાઇનું મોત
માણાવદરના કનકપરામાં બનાવઃ વૃધ્ધે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૨: માણાવદરના કનકપરા ગામે બસ સ્ટેશન પાસે રોડ સાઇડમાં ઉભેલા વૃધ્ધ બંબાટ ઝડપે નીકળેલા અજાણ્યા વાહનથી બચવા પાછળ હટવા જતાં ખાડામાં ગબડી પડતાં ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ કનકપરામાં રહેતાં મેણંદભાઇ બાવાભાઇ સોલંકી (ઉ.વ.૭૧) ગઇકાલે સવારે અગીયારેક વાગ્યે ઘરેથી આટો મારવા નીકળ્યા ત્યારે ગામના બસ સ્ટેશન નજીક રોડ સાઇડમાં ઉભા હતાં. પાછળની સાઇડ નાના મોટા ખાડા હતાં. આ વખતે કોઇ અજાણ્યુ વાહન બંબાટ ઝડપે મેણંદભાઇની નજીકથી નીકળતાં તે ડરી જતાં વાહનથી બચવા માટે પાછળ હટવા ગયા ત્યારે પડી જતાં માથામાં ઇજાઓ થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે કાગળો કરી માણાવદર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
