<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ભીમા દુલા સામે પોલીસની અચાનક કામગીરી અંગે અનેક તર્કવિતર્કો

માલ ઢોર ચરાવવા જતાં યુવાનને ૩ શખ્સો દ્વારા માર માર્યાના બનાવમાં ભીમા દુલાનું નામ ખુલ્યા બાદ ર૧ માં દિવસે ભીમાની વાડીએ રપ જેટલી જીપમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસની ટીમો ત્રાટકીઃ ભીમા દુલા સામે પોલીસ કામગીરી અંગે કયું કારણ? તે અંગે ચર્ચા આદિત્યાણામાં ભીમા દુલાએ વર્ચસ્વ જમાવવા ૪ દાયકા પહેલા સરપંચ ઉપર હુમલો કરીને ગુનાખોરીની શરૂઆત કરી હતીઃ ભીમા વિરૂધ્ધ અત્યાર સુધીમાં હત્યાનો પ્રયાસ, હત્યા, હથિયારો, ખંડણી સહિતના ૪૮ ગુન્હા

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્યાણા, તા. રર : આદિત્યાણાના બોરીચા ગામે કુખ્યાત ભીમા દુલાની વાડીએ રપ જીપોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ ટીમો ત્રાટકીને ભીમાની વાડીએ ઘાતક હથિયારો અને દારૂની બોટલો જપ્ત કરી હતી. બોરીચા સીમમાં માલઢોર ચરાવવા જતા યુવાનને ૩ શખ્સોએ માર માર્યો હતો અને આ બનાવ ભીમા દુલાના ઇશારે થયાનું ખુલતા તથા મારામારીના બનાવના ર૧ દિવસ બાદ ભીમાની વાડીએ અચાનક પોલીસના ધાડા ઉતારી દેતા પોલીસની આ કામગીરી અંગે તર્ક-વિતર્ક થઇ રહયા છે. ભીમા દુલા સામે આ પોલીસ કામગીરી અંગે રાજકીય પ્રેશર કે અન્ય કારણ? તે અંગે ચર્ચા થઇ રહી છે.

 આદિત્યાણામાં માઈન્સના વ્યવસાય પર આધિપત્ય જમાવવા અનેક ગેંગ સક્રિય હતી. એમાંની એક ભીમા દુલા ઓડેદરાની ગેંગ પણ હતી. આદિત્યાણામાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા ૧૯૮૨માં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ સરપંચ પર હુમલો કરી ભીમા દુલાએ ગુનાખોરીની શરૂઆત કરી અને આજ સુધીમાં તેની સામે જુદા જુદા ૪૮ જેટલા ગુના પોલીસ દફતરે નોંધાઈ ચૂક્યા છે.

આદિત્યાણા પંથકમા ખેતીકામ કરતા ભીમા દુલા ઓડેદરાએ ૧૯૮૦ની સાલમાં માઇન્સમાં લાઈમસ્ટોન સાઈઝીંગ (ભાંગવાનો)કોન્ટ્રકટ ભીમા  દુલા અને તેના મામા રામા કાળાએ સંભાળ્યો હતો અને આદીત્યાણા ખાતે મંદિરો બનાવવાનો ઘોડાપથ્થર,  દેશ વિદેશમાં નિકાસ કરવામાં આવતો હોય છે તેમજ પોરબંદર પંથકમાં ખાનગી કંપનીઓ પણ આવેલી હોય તેમજ જુદી-જુદી ગેંગો  પણ સક્રિય હોય આદિત્યાણા પર વર્ચસ્વ સ્થાપવા માટેથી એકબીજાને ભરી પીવા  માટેથી કમર કસવામાં આવતી હતી.

૧૯૮૨માં આદિત્યાણા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા રામા કાળાએ સરપંચ તરીકે ઉમદેવારી નોધાવી હતી. જેમાં સ્વ.રમણીકલાલ રામજી ભટ્ટ (કાકુબાપા)એ ઉમેદવારી નોંધાવી હતી અને સરપંચની ચૂંટણી જીતી ગયા હતા અને કાકુબાપા પર ભીમા દુલાએ સાગરીતો સાથે મળી હુમલો કર્યો હતો અને કાકુબાપાને મદદ કરનાર ઈસ્માઈલ હુશેન મુરુ ઉપર હુમલો કર્યો હતો.

આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બસ સ્ટેશનમાં ભીમા દુલાને ફોજદાર જોઈ જતા પકડવા જતા ભીમા દુલાએ હુમલો કર્યો હતો અને બાદમાં પોલીસે ગુનો નોંધી આગવી ઢબે સરભરા કરી હતી. આ બનાવ બાદ ભીમા દુલાએ ગુનાઈત પ્રવૃત્તિ આચરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં ભીમા દુલાના ભાઈ સ્વ.કરશન દુલાએ પણ રાણાવાવ પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. બાદમાં ભીમા દુલાએ ૧૯૮૩માં પોરબંદરની ખારવા ગેગ દ્વારા આદિત્યાણા ખાતે ખાસ મજદુરો પાસેથી પથ્થરની ખાણોમાં વસુલી કરવામાં આવતી હતી તે બંધ કરાવી હતી અને પથ્થરની ખાણોનો કબજો ભીમા દુલાએ લઈ લીધો હતો. બાદમાં પોરબંદરની ગેંગ સાથે ઘરોબો બંધાયો હતો.

પોલીસ ચોપડે નોંધાયેલ આદિત્યાણાની સીમમાં દાણચારીનો માલ પકડાયો હતો અને આદિત્યાણાના સરપંચની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. બાદમાં ભીમા દુલા અને મામા રામા કાળાને ભાગબટાઈમાં વાંધો પડતા દુશ્મનાવટ થઈ હતી અને ભીમા દુલા પ૨ ફાયરીગ થયું હતું અને ૧૯૮૪ની સાલમાં ખુની ખેલ ખેલાયો હતો અને ભીમા દુલાએ સાગરીતો સાથે મળી મામા રામા કાળા સહિત પાંચ શખ્સોની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ રામા કાળાના ભાઈ પરબત કાળાએ ભાઈની હત્યાનો બદલ લેવા ભીમા દુલા ભાઈ મેણંદની હત્યા કરવામાં આવી હતી. બાદમાં પરબત કાળા અને સાગરીતની હત્યા થઇ હતી.

ભીમા દુલાએ  ભાગીદારીમા ખાનગી કંપનીમાં સામેલ થઇ લાઇન સ્ટોન સપ્લાય કરવાનું કામ શરૂ કર્યુ હતું.  બાદમાં ભીમા દુલાનો ભાઈ રાજકીય પક્ષમાં જોડાયો હતો અને સીમેન્ટ કંપનીઓમાં યુનિયન ઉભુ કર્યું હતું તેમજ ૨૦૦૪માં આદિત્યાણાના કૃખ્યાત ઈસ્માઈલ હુશેન ખુંદા સાથેની માથાકુટમાં ભીમા દુલા સહિતના શખ્સોએ ઈસ્માઈલ અને તેના પુત્ર યુનુસની હત્યા કરી હતી તેમજ ૨૦૦૫માં પોરબંદરના ધારાસભ્યના ટેકેદાર મુળુભાઈ ગીગાભાઈ મોઢવાડીયાની હત્યાના ગુનામાં ભીમા દુલા સહિતના શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં ભીમા દુલાને આઠ વર્ષ સુધી જેલવાસ ભોગવવો પડયો હતો. ૨૦૦૬ સુધીમાં ભીમા દુલા વિરુધ્ધ ૪૮ ગુના નોંધાયા હતા. જેમાં હત્યાનો પ્રયાસ, હત્યા, હથિયારો, ખંડણી, એ.કે.૫૬ રાયફલ સહિતના ગુના નોંધાયા હતા. તાજેતરમાં જ ભીમા દુલાના ઘેર પોલીસના વિશાળ કાફલાએ દરોડો પાડયો હતો અને હથિયારો તેમજ દારૂનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા પોલીસની અચાનક કામગીરીની અનેક તર્કવિતકો થઈ રહ્યા છે.

વર્ષો સુધી શાંત રહેલા આદિત્યાણામાં ઓચિંતા પોલીસના ધાડા ઉતરી આવતા ગ્રામ્યજનો આશ્ચર્યમાં મુકાયા હતા અને ગ્રામ્યજનો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે આદિત્યાણાની શાંતિ કાયમી જળવાઇ રહે.

(2:00 PM IST)