<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ

માર્ગ અકસ્માતો ઘટાડવા શાળા-કોલેજો તથા જાહેર સ્થળોએ માર્ગ સલામતી કાર્યક્રમો યોજી જનજાગૃતિ વધારવા કલેક્ટરનું મહત્વપૂર્ણ સૂચન

જામનગર: વાહનોથી થતા અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં કલેક્ટરએ જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લેવાના થતા પગલાઓ વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
બેઠકમાં કલેક્ટરએ તમામ વિભાગોને સોંપવામા આવેલ કામગીરી સમીક્ષા કરી હતી તેમજ માર્ગ અકસ્માતનાં સ્થળોની તપાસણી, બ્લેક સ્પોટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલા, ભયજનક ડ્રાઈવિંગ, ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ તેમજ રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા વિનાના વાહનો વગેરે અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.તેમજ શાળા-કોલેજો તથા જાહેર સ્થળોએ માર્ગ સલામતી કાર્યક્રમ થકી જનજાગૃતિ વધારવા, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા તેમજ જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતુ.
આ બેઠકમાં આર.ટી.ઓ., જામનગર મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, પી.જી.વી.સી.એલ., નેશનલ હાઈવે ઓથોરીટી, જી.એસ.આર.ટી.સી. વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:31 PM IST)