News of Wednesday, 23rd October 2024
ભીમનાથમાં પાટીદાર અગ્રણી ધરમશી બાપાની ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાત: કડક સજાની માંગ
સરદાર ધામ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખે ઘટનાને વખોડી :સાંસદ પરષોત્તમ રુપાલા સહિત પંથકના સામાજિક અને રાજકીય અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા

બોટાદ જિલ્લાના ભીમનાથ ગામમાં રહેતા અને ધંધુકાની RMS હૉસ્પિટલના ટ્રસ્ટી ધરમશી મોરડીયા (પટેલ)ની ગામના જ યુવકે નોકરી બાબતનો ખાર રાખી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી. જે બાદ આરોપીએ પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ધરમશી પટેલની હત્યાની ઘટનાને વખોડી નાંખી છે.
88 વર્ષીય ધરમશી પટેલ ભીમનાથ ગામમાં પોતાના ઘરની બહાર ઉભા હતા, ત્યારે કલ્પેશ (32)નામનો યુવક ધસી આવ્યો હતો. જેણે નોકરી બાબતે ધરમશી પટેલ સાથે માથાકૂટ કરી હતી અને 'તમે નોકરી ના અપાવી, જેથી મારા 3 વર્ષ બગડ્યા' કહીને તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા ધરમશી બાપા ત્યાંજ ફસડાઈ ગયા હતા. આ સમયે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીના હાથમાંથી હથિયાર ઝૂંટવી લીધુ હતુ. જે બાદ ધરમશી બાપાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતુ.
બીજી તરફ આ બનાવની જાણ થતાં રાજકોટ સાંસદ પરષોત્તમ રુપાલા સહિત પંથકના સામાજિક અને રાજકીય અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યાં ધરમશી બાપાના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. આવતીકાલે સવારે 9 કલાકે ઈસનપુર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નીકાળવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
આ અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે, આજે ધરમશી બાપાની હત્યાના સમાચાર સાંભળી સમગ્ર સમાજ ઊંડા શૉક અને ઘેરા દુ:ખની લાગણી અનુભવે છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ આ જઘન્ય હત્યાના કારણે ખૂબ જ દુ:ખી છે. ધરમશી બાપા હંમેશા બીજાના માટે જીવ્યા છે. તેમણે હંમેશા કોઈ પણ સમાજના દીકરા-દીકરીને મદદ કરવામાં પાછુ વળીને જોયું નથી.
બીજાના દુ:ખે દુ:ખી રહેતો વ્યક્તિ પોતાનું જીવન સેવામય જિંદગી સાથે જીવતો હોય, ત્યારે આવા એવા વ્યક્તિની સેવાકીય પ્રવૃતિથી નારાજ થઈને ઘાતકી હત્યા થાય, ત્યારે સમાજના એક એવા સામાજિક લોકોની ભાવનાની હત્યા ગણી શકાય. ધરમશી બાપાની હત્યા સમગ્ર સમાજ માટે ધ્રુણાસ્પદ કહી શકાય. આવા જધન્ય હુમલાને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વખોડે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ધરમશી બાપા જેવા વ્યક્તિ પોતાના જીવના જોખમે જે કોઈ સેવાકીય પ્રવૃતિ કરતા હોય, ત્યારે તેમના જીવનમાં અનેક પડકારો આવતા હોવા છતાં તેઓ બીજાને મદદ કરીને પોતાનું જીવન વ્યતિત કરતા હોય છે. આવા વ્યક્તિત્વ પર ભવિષ્યમાં હુમલા ના થાય તે માટે સમગ્ર સમાજ અને સરકારે ચિંતા કરવાની જરૂર છે.
ધરમશી બાપાની હત્યાથી તેમના પરિવાર પર શું વીતતી હશે? તેની કલ્પના કરવી અશક્ય છે. આ ઘટનાને લઈને સમગ્ર સમાજ પર ઘેરા શોકની લાગણી ફરી વળી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પર ધરમશી બાપાને દર્દભરી ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે અને આ પ્રકારના વ્યક્તિત્વને વંદન કરે છે.
ધરમશી બાપાએ તેમની જિંદગીમાં અનેક સંસ્થાઓને અઢળક દાન કર્યું છે. તેમનું જોઈને બીજા અનેક લોકોને દાન કરવાની પ્રેરણા મળી છે. આવો વ્યક્તિ હવે આપણી વચ્ચે નથી, ત્યારે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતના તમામ સેવાભાવી સંસ્થાઓ ઊંડા શૉકની લાગણી પ્રદર્શિત કરે છે. જગત જનની માઁ ઉમિયા ધરમશી બાપાની આત્માને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુ:ખની ઘડીમાં દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
જ્યારે સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાએ ધરમશી બાપાની હત્યાની ઘટનાને વખોડતા જણાવ્યું કે, આ મામલે પોલીસે તાત્કાલિક પગલા લઈને કડક કાર્યવાહી કરવી જોઈએ. ધરમશી બાપાના હત્યારાને કડકમાં કડક સજા થવી જ જોઈએ.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
