News of Friday, 25th October 2024
જસદણના અમરાપુરમાં ૧૭ વર્ષના હિરેન મજીઠીયાની પાણીના ખાડામાંથી લાશ મળી
માતા પિતા બપોરે વાડીએથી ઘરે ગયા દિકરો સાંજ સુધી ન આવતાં શોધખોળ બાદ વાડી નજીકની મૃતદેહ મળ્યો : કપડા કાંઠા પર હતાં, ચપ્પલ પહેરેલા હતાં: ન્હાવા જતાં ડુબ્યો કે અન્ય કંઇ? મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ એકના એક દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૫: જસદણના અમરાપુર ગામે રહેતાં સત્તર વર્ષના છાત્રની લાશ સાંજે તેની વાડી નજીક પાણીના ખાડામાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બપોરે તેને વાડીએ મુકીને માતા-પિતા ઘરે ગયા હતાં. સાંજ સુધી તે ઘરે ન આવતાં તપાસ થયા બાદ મૃતદેહ મળ્યો હતો. આ યુવાનની લાશ મળી ત્યારે કપડા કાંઠા પર હતાં અને તેણે ચપ્પલ પહેરેલા હતાં. ન્હાવા જતાં ડુબી ગયો કે અન્ય કંઇ બન્યું? તે જાણવા મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે.
જાણવા મળ્યા મુજબ અમરાપુર રહેતો અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતાં હિરેન રાજેશભાઇ મજીઠીયા (ઉ.વ.૧૭)ની લાશ તેની વાડી નજીક ખાડામાંથી મળી આવતાં કલ્પાંત સર્જાયો હતો. પિતારાજશેભાઇ છગનભાઇ મજીઠીયાએ કહ્યું હતું કે ગઇકાલે હું અને મારા પત્નિ ભાવનાબેન તથા દિકરો હિરેન સવારે વાડીએ ગયા હતાં. બપોરે અમારે કામ હોઇ જેથી ઘરે જવા નીકળ્યા હતાં. દિકરો ત્યારે વાડીએ જ હતો. સાંજે અમે બહારથી ઘરે આવ્યા ત્યારે દિકરી સંગીતાને દિકરા હિરેન વિશે પુછતાં તેણે ભાઇ હજુ ઘરે નથી આવ્યો તેમ કહેતાં અમે શોધખોળ કરવા નીકળ્યા હતાં. મારા મિત્રો પણ વાડી આસપાસ હિરેનને શોધવા નીકળી પડયા હતાં.
એ દરમિયાન વાડી નજીક જાડી જાખરા નજીક આવેલા પાણી ભરેલા ખાડાના કાંઠે હિરેનના કપડા પડયા હોઇ તપાસ કરતાં તેની લાશ ખાડામાંથી મળી આવી હતી. તેણે ચપ્પલ પહેરેલા હતાં. પોલીસને જાણ કરવામાં આવતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. હિરેન એક બહેનથી મોટો અને માતા પિતાનો એકનો એક દિકરો હતો. તે ન્હાવા જતાં ડુબી ગયો કે અન્ય કંઇ બન્યું? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. દિકરાના ભેદી મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. નાના એવા ગામમાં પણ ચકચાર મચી ગઇ હતી.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
