News of Monday, 28th October 2024
વઢવાણમાં દુકાનમાં ચોરી કરનાર ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયા
ગોંડલની તસ્કર ટોળકી ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરતા'તા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૮: વઢવાણ શહેરની મધ્યમાં આવેલા સોની વેપારીની દુકાનમાં ગ્રાહક બની આવેલા ત્રણ મહિલાઓ વેપારીની નજર ચૂકવી સોનાની બુટી તેમજ કડી સહિત કુલ રૂપિયા ૪૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયેલ. આ મામલે સોની વેપારીએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુકાનના સીસીટીવી ફુટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં સીસીટીવી ફુટેજમાં દેખાતી મહિલાઓ ગોંડલની હોવાની વિગતો બહાર આવતા વઢવાણ પોલીસે ગોંડલ નવા માર્કેટ યાર્ડ સામે આવેલી ખોડીયાનગર શેરી નંબર ૧ માં રહેતા ધીરુભાઈ વશરામભાઇ સોલંકી, મનીષાબેન ધીરુભાઇ સોલંકી, ગૌરીબેન રમેશભાઇ વાઘેલા અને તારાબેન વીનુભાઇ સોલંકીને ઝડપી લઇ પુછપરછ કરતા તેમણે ચોરી કર્યાની કબુલાત કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા સોનાના દાગીના તેમજ ચોરી કરવામાં ઉપયોગમાં લેવાયેલી એક કાર સહીત રળપિયા ૧.૯૦ લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
ઝડપાયેલા ૪ આરોપી પૈકી બે આરોપી ધીરુભાઈ સોલંકી અને મનિષાબેન સોલંકી પતિ પત્ની છે અને બન્ને વિરળધ્ધ અલગ અલગ પોલીસ મથકે અલગ અલગ ગુના નોંધાયેલા છે. ધીરુભાઈ વિરૂધ્ધ વાહનચોરીનો તેમજ મનીષાબેન વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધાયેલો છે.
શંકા ન જાય તે માટે કારમાં ખરીદી કરવા જતાં
ગોંડલમાંથી ઝડપાયેલી ટોળકી ચોરી કરવા જાય ત્યારે ખાસ મોડસ ઓપરેન્ડી અજમાવતા હતા. ચોરી કરવા માટે ત્રણ મહિલાઓ અને એક પુરુષ સહિતના કુલ ૪ વ્યક્તિઓ ખરીદી કરવા જતાં હતાં. વેપારીઓને શંકા ન જાય તે માટે કાર લઇ ઠાઠમાઠમાં ખરીદી કરવા જતાં જેથી વેપારીઓને તાત્કાલિક એવી શંકા ન જાય કે ગ્રાહકના સ્વાંગમાં આવેલા લોકો ચોરી કરવાના ઇરાદે આવ્યા છે. જોકે, ટોળકી વઢવાણ પોલીસના હાથે ચડી જતાં આરોપીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
