<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા અમે ઉત્સાહી; વડાપ્રધાનશ્રીના અમરેલી પ્રવાસથી સૌરાષ્ટ્રના યુવાઓમાં થનગનાટ

સાવરકુંડલાથી આવેલા નિમેશ સરવૈયા કહે છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના પરિણામે સૌરાષ્ટ્રવાસીઓને અનેકવિધ યોજનાઓનો લાભ મળ્યો છે

અમરેલી તા.૨૮ : લાઠી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવા ગુજરાતની ભૂમિ પર પધાર્યા છે ત્યારે સવાયા ગુજરાતી એવા નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા ગરવા સૌરાષ્ટ્રવાસીઓમાં ઉમંગ અને ઉમળકો જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલા અમરેલીના લાઠીમાં તહેવાર જેવો ઉજાસ અને અનેરો ઉલ્લાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનથી સર્જાયો છે.

નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા અમરેલીના યુવાઓ હરખઘેલા બન્યા છે, ત્યારે સાવરકુંડલાના નિમેશ સરવૈયાએ જણાવ્યું હતું કે, અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા અત્યંત ઉત્સાહી છીએ. મારા જેવા અનેક યુવાઓમાં મોદીજીને મળવાનો થનગનાટ છે. મોદીજી સામાન્ય લોકો માટે ચિંતિત છે અને તેમણે લોક કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. સરકારની કેટલીયે યોજનાઓનો લાભ અમે આજે તેમના કારણે સરળતાથી મેળવી શકીએ છીએ.

         સૌરાષ્ટ્રની ભૂમિ માટે કહેવાયું છે કે, "કાઠિયાવાડમાં કો'ક દિ ભૂલો પડ ભગવાન, તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા". ત્યારે દેશના વડાપ્રધાનશ્રી સૌરાષ્ટ્રની આ ઐતિહાસિક અને પૌરાણિક ભૂમિ પર પધાર્યા હોય તો તેમની શી આગતા સ્વાગતા ન હોય ! વડાપ્રધાનશ્રીને આવકારવા લાઠીએ શણગાર સજ્યા છે. અહીં શેરીએ શેરીએ હરખની હેલી છે અને અહીંના માયાળુ માનવીઓમાં પણ અનેરો ઉમળકો જોવા મળી રહ્યો છે.

(4:13 PM IST)