તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 29th October 2024
માખીયાળા પાસે ખૂંટીયા સાથે બાઇક અથડાતાં જુનાગઢના મનસુખભાઇ ધંધુકીયાનો જીવ ગયો
મજૂરી કામે જતી વખતે બનાવઃ પ્રોૈઢે રાજકોટમાં દમ તોડતાં પરિવારની તહેવારની ખુશી શોકમાં પરીણમી

રાજકોટ તા. ૨૯: રસ્તાઓ પર ગમે ત્યારે હડી કાઢીને આવી જતાં ખૂંટીયાઓને કારણે અવાર-નવાર વાહન અકસ્માત સર્જાતા રહે છે. ઘણીવાર પગપાળા જતાં રાહદારીઓ પણ ખૂંટીયાને ઢીંકે ચડી જતાં હોસ્પિટલના બિછાને પહોંચે છે અથવા તો મૃત્યુ પણ પામે છે. વધુ એક આવા બનાવમાં જુનાગઢના માખીયાળા નજીક રોડ પર ખૂંટીયો દોડી આવતાં તેની સાથે બાઇક અથડાતાં બાઇકચાલક જુનાગઢના પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ જુનાગઢ દોલતપરામાં રહેતાં મનસુખભાઇ છગનભાઇ ધંધુકીયા (ઉ.વ.૫૬) ગાડીઓમાંથી ખાતરની ગુણી ઉતારવાની મજૂરી કરતાં હોઇ ગઇકાલે સવારે બાઇક હંકારી મજુરી કામે જઇ રહ્યા હતાં ત્યારે માખીયાળાની નોબલ સ્કૂલ પાસે પહોંચ્યા તે વખતે અચાનક રોડ પર ખૂંટીયો દોડી આવ્યો હતો. આ વખતે મનસુખભાઇ પોતાના વાહન પર હોઇ હેબતાઇ જતાં ખૂંટીયા સાથે બાઇક અથડાઇ જતાં તેઓ બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ તેમણે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. દિવાળી તહેવારની ખુશી શોકમાં પરીણમી હતી. મૃત્યુ પામનાર મનસુખભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મનસુખભાઇ અલગ અલગ જગ્યાએ ગાડીઓમાંથી ખાતર ઉતારવા સહિતની મજૂરી કરતાં હતાં. મજૂરી કામે જતી વખતે જ આ બનાવ બન્યો હતો. રાજકોટ હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ બનાવની જાણ જુનાગઢ પોલીસને કરી હતી.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
