તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 29th October 2024
દુનિયામાં ભારતના સામર્થ્યની ચર્ચા અનેક દેશો રોકાણ કરવા આતૂર : નરેન્દ્રભાઇ મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ. ૪૮૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટઃ વડાપ્રધાનેે અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેકટને વેગ આપ્યોઃ નવા વિકાસ પ્રોજેકટ લોક જીવનને આસાન બનાવીને વિકાસને નવી ગતિ મળી આપશેઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી: મંગલ કાર્યોના સમયે સંસ્કૃતિ ઉત્સવ સાથે વિકાસનો ઉત્સવ આ ભારતની નવી તાસીર છેઃ ગુજરાતમાં નવા વિકાસ પ્રોજેકટથી પ્રવાસન અને લઘુ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રે રોજગારીના અવસરો મળશેઃ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનો પુરુષાર્થ ઉદાહરણ રૂપે ઉભો છેઃ ''રે પંખીડા સુખેથી ચણજો'' કવિ કલાપીની આ સાહિત્ય વિરાસતને સાકાર કરતા ભારતમાતા સરોવર જેવા તળાવો થકી પક્ષીઓ વધુ આનંદિત થશેઃ -લોથલ દુનિયાના પ્રવાસનમાં ચમકશે રાજકોટ-મોરબી-જામનગરનો ત્રિકોણ મીની જાપાન બનવા તરફ આગળ ધપે છે પોરબંદરના કર્લી સરોવરના વિકાસથી સોમનાથ થી દ્વારકા સુધી પ્રવાસનને વેગ મળશેઃ -અમરેલી સહિત ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન પ્રથમ નેચરલ ર્ફામિંગ યુનિવર્સિટી ગુજરાતમાં બની છેઃ નરેન્દ્રભાઇ : વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પર્યાવરણથી પ્રવાસન અને જળથી જનશકિતના સમૂચિત સમન્વયથી ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છેઃ - પડકારો વચ્ચે ગુજરાતે વિકાસનો એક સુરેખ પથ આલેખ્યો છેઃ - જળસિંચન-જળસંચય-કૃષિ અભિયાનો થકી આજે ગુજરાતે કૃષિ વિકાસ ક્ષેત્રે આગવો પંથ કંડાર્યો છેઃ ભુપેન્દ્રભાઇ પટેલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૯ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂપિયા ૪૮૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, નવા વિકાસ પ્રોજેકટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે.
પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.
વડાપ્રધાનશ્રીએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.
વડાપ્રધાને આ સંદર્ભમાં ગુજરાતના પાણી માટેના પુરુષાર્થને યાદ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનાના સંદર્ભમાં કહ્યું કે, ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આ રીતે સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના પાણીથી ભરાશે. આજે આ યોજના સાકાર થઈ છે અને પ્રદેશ લીલોછમ બન્યો છે, ત્યારે પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ સિદ્ધ થાય છે તેનો આનંદ મળે છે.
વડાપ્રધાને આ તકે વરસાદના પાણીનો સંગ્રહ કરવા અને નદી ઉપર નાના-નાના તળાવો બનાવીને પાણીનો સંગ્રહ કરીને ઙ્કવન ડ્રોપ, મોર ક્રોપઙ્કનો આપણો સંકલ્પ સિદ્ધ કરવા પણ આહવાન કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદીએ ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજથી માંડીને ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી, કે.લાલ, રમેશ પારેખ, સહિતના મહાનુભાવને યાદ કરીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાના રત્નોેની સામાજિક સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી મિશનમોડમાં કામ કરી રહ્યાં છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અમરેલી પ્રગતિશીલ છે, એમ જણાવતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની અલગ યુનિવર્સિટી હાલોલમાં શરૂ થઈ છે અને તેની સાથે જોડાયેલી પ્રાકૃતિક કૃષિની પ્રથમ કોલેજ અમરેલીને મળી છે. અમરેલીની સહકાર ક્રાંતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૭માં અમર ડેરીની શરૂઆત વખતે ૨૫ ગામોમાં સહકારી સમિતિ હતી. આજે ૭૦૦થી વધુ ગામોની સહકારી સમિતિ ડેરી સાથે જોડાયેલી છે અને દરરોજ સવા લાખ લિટર દૂધ ભરાય છે.
શ્વેત તથા હરિત ક્રાંતિ સાથે આપણે સ્વીટ રિવોલ્યૂશન શરૂ કર્યું હતું. ખેતરોમાં મધ ઉત્પાદન માટેના પ્રોજેકટ થકી આજે અમરેલી જિલ્લાના ખેડૂતો ખેતરમાં મધમાખી પાલન કરીને મધ ઉત્પાદન કરીને વધારાની આવક મેળવી રહ્યાં છે. આ સાથે જ અમરેલીના મધની આગવી ઓળખ ઊભી થઈ છે.
પોરબંદર જિલ્લાના મોકરસાગર ખાતે કર્લી રિચાર્જ સરોવરને વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઈકોટૂરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. તેનાથી ઈકોટૂરિઝમને વેગ મળશે તથા ત્યાં એડવેન્ચર ટૂરિઝમની પણ અપાર સંભાવનાઓ છે. અહીં બર્ડ સેન્ચ્યુરી પણ ઊભી થશે.
બ્લૂ રિવોલ્યૂશનને વેગ આપવા સાથે આપણે પોર્ટ લેડ ડેવલપમેન્ટને વેગ આપી રહ્યાં છીએ. ભૂતકાળમાં જે દરિયાકિનારો ખારોપાટ ગણાતો, તેને સમૃદ્ધિના દ્વાર બનાવવા પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યાં છીએ. આપણા ગુજરાતના બંદરોને દેશના અન્ય બંદરો સાથે જોડી રહ્યાં છીએ, ઉપરાંત ભારતના ઐતિહાસિક બંદરને દુનિયાના પ્રવાસનના નકશા પર મૂકવા, લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેકસ - વિશ્વ કક્ષાનું મ્યૂઝિયમ બનાવાઈ રહ્યું છે. જાફરાબાદ તથા શિયાળબેટ વિસ્તારમાં સારામાં સારી માળખાકીય સુવિધા વિકસાવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ દિવાળીના પાવન દિવસોમાં સૌરાષ્ટ્રની જનતાને રૂ.૪૮૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ આપવા માટે આભારની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે, એક સમયે અભાવોનો સામનો કરતું ગુજરાત રાજ્ય આજે વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પૂરપાટ ઝડપે વિકાસ પથ પર આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વિશ્વમાં જળવાયુ પરિવર્તનની અસરોની ગંભીરતા પારખીને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રીએ એશિયામાં સૌ પ્રથમવાર જળવાયુ પરિવર્તનનો અલાયદો વિભાગ સ્થાપિત કર્યો હતો.
ઈ-ગ્રામ, વિશ્વગ્રામ દ્વારા ઉત્તમ ઈ-સેવા સુવિધાઓનું માળખું સર્જવાનું કાર્ય વડાપ્રધાનશ્રીએ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે કર્યું હતું. ટેકનોલોજીના વિનિયોગ દ્વારા જનફરિયાદ નિવારણની 'સ્વાગત' પહેલ પણ તેમણે જ આપેલી એક ભેટ છે.
રોડ-નેટવર્ક, માળખાગત સુવિધા, ઈન્ટરનેટ કનેકિટવિટી દ્વારા પારદર્શક સુશાસનનું રોલમોડલ ગુજરાતે રજૂ કર્યું છે. આમ સમગ્રતયા જળસિંચન, બિન પરંપરાગત ઉર્જાસ્ત્રોતો દ્વારા વીજઉત્પાદન થકી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત આવા અનેક વિકાસકાર્યો થકી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનો સહયોગ આપશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ તકે જણાવ્યું કે, ગુજરાતે જળસંચય અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે આગવો રાહ કંડાર્યો છે. જળસંચય ક્ષેત્રે ગુજરાતને તાજેતરમાં જ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ સિંચાઈ માટે નર્મદાના પૂરના દરિયામાં વહી જતાં વધારાના જળને 'સૌની યોજના' દ્વારા સૌરાષ્ટ્રમાં અવતરણ કરાવ્યું છે.
જળસંચયના પવિત્ર સંકલ્પ અને ઉદ્યમ થકી આ પ્રદેશને નવપલ્લવિત કરનાર શ્રી સવજીભાઈ ધોળકિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજે દુધાળા-લાઠીની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો છે. વડાપ્રધાનશ્રીએ થોડા વર્ષો પહેલા 'હરિકૃષ્ણ સરોવર'નું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું અને આજે ત્યાં ભારતમાતા સરોવર નિર્માણ પામ્યું છે. જિલ્લામાં ત્યારથી લઈને અત્યાર સુધી ૧૫૫ સરોવરનું નિર્માણ થયું છે. જળસંચય અને પ્રાકૃતિક ખેતી દ્વારા ગુજરાત વિકાસના પંથે ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે.
આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રિય જળશકિત મંત્રી સી.આર.પાટીલ, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સર્વશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, ભરતભાઈ સુતરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી રામભાઈ મોકરિયા, પૂનમબહેન માડમ, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઈફકોના ચેરમેન દિલિપભાઈ સંઘાણી, ધારાસભ્ય જે.વી.કાકડિયા, કૌશિક વેકરિયા, જનકભાઈ તળાવિયા, મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, ડૉ.દર્શિતાબહેન શાહ તેમજ બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીઓ, મહાનુભાવો, પદાધિકારીઓ-અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
