<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

પોરબંદર શ્રી સાંદિપનિ વિદ્યા નિકેતનમાં પૂ.રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં દિપોત્સવ પર્વ ઉજવાશે

શ્રીહરિ મંદિરમાં સાંજે શ્રી લક્ષ્મીપૂજનઃ દિપદાન વિધીઃ કાલે શ્રી હનુમાનજીની પૂજા વિધી થશેઃ શનીવારે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનને અન્નકુટ અર્પણ કરાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૯ :.. પોરબંદરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ અનેક પૂજા અને દીપદાન સાથે દિપાવલીનું પર્વ ઉજવવામાં આવશે.

તા. ૨૯-૧૦-૨૦૨૪, મંગળવારનારોજ ધનતેરસના દિવસે  શ્રીહરિ મંદિરમાં સાંજે ૫-૩૦થી ૬-૩૦ દરમિયાન શાસ્ત્રોકત વિધિપૂર્વક શ્રીલક્ષ્મી પૂજન સંપન્ન થશે. લક્ષ્મીપૂજન બાદ ૬-૩૦ થી ૭ દીપદાન વિધિ થશે અને સાંજે ૭ૅં વાગ્યે સાયં આરતી થશે.

તા. ૩૦-૧૦-૨૦૨૪, બુધવારનારોજ રૂપચતુર્દશીના દિવસે પ્રાતઃ ૮-૦૦થી ૯ સૌમ્ય ભૈરવજીને અભિષેક થશે. શ્રીહરિ મંદિરમાં સાંજે ૫-૩૦ થી ૬-૩૦ સુધી શ્રીહનુમાનજીની પૂજા થશે. ત્યારબાદ ૬-૩૦ થી ૭ દરમ્યાન દીપદાન વિધિ સંપન્ન થશે અને ૭ વાગ્યે સાયં આરતી થશે એવં આરતી બાદ ૮ થી ૯ ભૈરવજી યજ્ઞ સંપન્ન થશે.

તા.૩૧-૧૦-૨૦૨૪, રવિવાર દિવાળીના શુભ દિવસે સવારે ૮-૦૦ થી ૯-૦૦ દરમિયાન શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણવિધિ થશે. ત્યારબાદ ૯-૩૦ થી ૧૦-૩૦ ચોપડા પૂજન થશે. સાંજે સમય ૫-૦૦ થી ૬-૩૦ શ્રીહરિ મંદિરમાં બિરાજિત શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું પૂજ્ય ભાઈશ્રી દ્વારા સહસ્ર્કમલોથી વિધિપૂર્વક પૂજન-અર્ચન સંપન્ન થશે. ૬-૩૦ વાગ્યેથી દીપદાન વિધિ થશે, ૭ વાગ્યે શયન આરતી થશે. શયન આરતી બાદ ૭-૩૦ થી ૮ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સન્મુખ દીપોત્સવ થશે અને ત્યારબાદ ૮ વાગ્યે શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં આતશબાજી કરવામાં આવશે.

તા. ૧-૧૧-૨૦૨૪, શુક્રવારના રોજ શ્રીહરિ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે વિગ્રહોના દર્શન યોજાશે. જેના દર્શનનો લાભ સવારે ૭-૩૦થી બપોરે ૧ તથા સાંજે ૪-૩૦ થી રાત્રે ૮-૦૦ સુધી સૌ ભાવિકજનો લઇ શકશે.

તા. ૨-૧૧-૨૦૨૪, શનિવારના રોજ શ્રીહરિ મંદિરમાં નૂતન વર્ષ ઉજવવામાં આવશે. પ્રાતઃ ૭-૩૦ વાગ્યે મંગલા આરતીના દર્શન અને ૮ થી ૧ દરમ્યાન શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનને અન્નકૂટ સમર્પિત કરવામાં આવશે અને મધ્યાહ્નમાં ૧૨-૦૦ વાગ્યે અન્નકૂટની આરતી સંપન્ન થશે. નૂતનવર્ષ નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીનિ ઉપસ્થિતિમાં સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ દરમ્યાન સ્નોહમિલન યોજાશે. સવારે ૭-૩૦ થી ૧ તથા સાંજે ૪-૩૦ થી ૮-૩૦ સુધી સૌ દર્શનાર્થીઓ અન્નકૂટના દર્શનનો લ્હાવો લઇ શકશે.

દીપદાનનું મહત્ત્વ

ભગવાન વિષ્ણુના વામન અવતારમાં જ્યારે ભગવાને સંપૂર્ણ પૃથ્વીને એક ચરણમાં માપી લીધી ત્યારે બલિરાજાના દાન અને ભકિતથી પ્રસન્ન થઈને ભગવાને જ્યારે વરદાન માંગવાનું કહ્યું ત્યારે બલિરાજાએ પ્રાર્થના કરી કે  આસો માસની ત્રયોદશી, ચતુર્દશી અને અમાસ સહિત ત્રણ દિવસ સુધી જે વ્યકિત યમરાજને દીપદાન કરે, એમને યમયાતના ભોગવવી ન પડે અને ત્રણ દિવસ સુધી જેઓ દીપાવલિ ઉજવશે એના ઘરનો શ્રીલક્ષ્મીજી ક્યારેય ત્યાગ ન કરે. ભગવાનને એવમસ્તુ કહીને  કહ્યું કે જે મનુષ્ય આ ત્રણ દિવસમાં દીપદાન /દીપાવલી કરશે તો મારી પ્રિયા લક્ષ્મી એને છોડીને જશે નહિ.

વધારે માહિતી માટે શ્રીહરિ મંદિર નો સંપર્ક કરો ૯૦૯૯૯૬૬૨૬૦

(2:30 PM IST)