News of Tuesday, 29th October 2024
પોરબંદર મોકર સાગર વેટલેન્ડનું નરેન્દ્રભાઇના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત
મોકર સાગર વેટલેન્ડ પક્ષી પ્રેમીઓ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પર્યાવરણ પ્રેમી નગરજનો પર્યટકો માટે સ્વર્ગ સમાનઃ શિયાળામાં વેટલેન્ડમાં લાખો પક્ષીઓનો કલબલાટ : વેટલેન્ડમાં સ્ટ્રીટ લાઇટ અને પ્રાથમીક સુવિધા વધારાશે વેટલેન્ડ પ્રોજેકટ વિશ્વકક્ષાના ઇકો ટુરીઝમ તરીકે વિકાસ કરાશેઃ સાથે બલ્ક પાઇપ લાઇન પ્રોજેકટના લોકાર્પણથી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની પોરબંદર જિલ્લાને પાણી મળશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૯ : અમરેલીના લાઠી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૪૮૦૦ કરોડથી વધુના વિકાસ કામોના થયેલા લોકાર્પણ અને ખાતમુહુર્ત સાથે નરેન્દ્રભાઇએ લાઠીથી પોરબંદરની ર૦૦ કરોડની મોકર સાગર વેટલેન્ટ યોજનાનું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કર્યુ હતું. સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ દ્વારા નાવડાથી ચાવંડની બલ્ક પાઇપ લાઇન પ્રોજેકટના લોકાર્પણથી સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાને પોરબંદર જિલ્લાને અન્ય રીવર યોજનાનું પાણી મળી શકશે.
અમરેલીના લાઠી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૪૮૦૦ કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યા છે તેમાં પોરબંદર જિલ્લાને મહત્વના બે લાભ મળ્યા જે જેમાં મોકરસાગર વેટલેન્ડને ૨૦૦ કરોડના ખર્ચે વિકસાવવા માટેની યોજનાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું છે. તે ઉપરાંત પીવાના પાણીની યોજનાનો પણ પોરબંદર જિલ્લાને લાભ મળવાનો છે જેમાં નાવડાથી ચાવંડની બલ્ક પાઈપલાઈન પ્રોજેકટનું લોકાર્પણ થવાથી પોરબંદર જિલ્લાને પણ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની જેમ પાણી મળશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે તેમના હસ્તે રાજ્યમાં ૪૮૦૦ કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં અમરેલી જિલ્લાના લાઠી ગામે યોજાયેલા સમારોહમાં પોરબંદરના મોકરસાગરને ૨૦૦ કરોડના ખર્ચે વિશ્વ સ્તરીય રીતે વિકસાવવાની યોજનાનો શુભારંભ થયો છે. મોકરસાગર ખાતે કર્લી રીચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકો ટુરીઝમ સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે.
પોરબંદરના ગોસાબારા નજીકના મોકરસાગર વેટલેન્ડમાં શિયાળા દરમિયાન અંદાજે બે લાખથી વધુ પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળેછે. આ વેટલેન્ડ પક્ષી પ્રેમીઓ માટે અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સહિત પક્ષી પર્યાવરણ
પ્રેમી નગરજનો અને પર્યટકો માટે સ્વર્ગ સમાન છે. પરંતુ આ વિસ્તારમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિત પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે ત્યારે ૨૦૦ કરોડના ખર્ચે અનેક સુવિધાઓ વધારવામાં આવશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત નેતાઓની ઉપસ્થિતિમાં લાઠી ખાતે પાણીની પાઈપલાઈનનું લોકાર્પણ થયું હતું.
નાવડાથી ચાવંડ સુધીની બલ્ક પાઇપલાઇનના પ્રોજેકટના લોકાર્પણથી પોરબંદર ઉપરાંત બોટાદ, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ૧૨૯૮ ગામ અને ૩૬ શહેરના ૬૭ લાખ લોકોને ૧૨ કરોડ લીટર પાણી મળશે. તેનાથી પોરબંદરને પણ ફાયદો થશે. લોકાર્પણ ખાત મુહૂર્તના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
