News of Wednesday, 30th October 2024
કાલે દિપાવલીઃ રાત્રે જામશે ફટાકડાની આતશબાજી
આજે કાળીચૌદશ નિમિતે તંત્ર યંત્ર-મંત્ર સાધનાનું મહત્વઃ મહાકાળી માતાજી, હનુમાનજી મહારાજ અને કાળ ભૈરવદાદાનું પૂજન-અર્ચન

તસ્વીરમાં મોરબીના શ્રી મહાલક્ષ્મીજીના મંદિરે ભાવિકો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ-મોરબી)
રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દિપાવલી પર્વની ધામધુમથી ઉજવણી શરૂ થઇ છે. કાલે દિપાવલી પર્વ નિમિતે પૂજન અર્ચનનું વિશેષ મહત્વ છે. અને ફટાકડાની આતશબાજી સર્જાશે.
આજે કાળી ચૌદશ નિમિતે તંત્ર-યંત્ર- મંત્રની સાધનાનું મહત્વ છે. અને મહાકાળી માતાજી, હનુમાનજી મહારાજ અને કાળભૈરવદાદાના પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ સહિત રાજયભરમાં ધનતેરસની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હવે આવતીકાલે કાળી ચૌદશ છે. શાષાવિદોના મતે કાળીચૌદશના દિવસે અને રાત્રીએ કરેલી પૂજા-સાધના સહષાગણું ફળ આપે છે.
કાળીચૌદશને નરક ચતુર્દશી અને રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે. આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે. ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. કાળી ચૌદશ દરમિયાન તંત્ર-યંત્ર-મંત્ર સાધના તેમજ મહાકાળી પૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા શિધ્ર ફળ આપે છે. કાળી ચૌદશના દિવસ અને રાત્રીને સિધ્ધદાયી માનવામાં આવે છે તેમ જણાવતા જયોતિષી ચેતન પટેલે ઉમેર્યું કે કાળીચૌદશની સાધના મંતર પ્રયોગ કે આરાધના કરવાથી ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રી, ભય નાશ પામે છે. આપત્તિ, સંકટ સામે રક્ષણ મળે છે અને શકિતની પ્રાપ્તી થાય છે. કાળી ચૌદશની રાત્રે ધૂપ-દીવો પ્રગટાવી ૭ વખત હનુમાન ચાલીસા કરવાથી ભય નાશ પામે છે. શત્રુ બાધા-દૂર થાય અને આકસ્મિક રક્ષણ મળે છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જિલ્લામાં આજે ધનતેરસના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના દરબારગઢ ખાતે આવેલા મોરબીના એકમાત્ર મહાલક્ષ્મીજીના મંદિરે આજે ધનતેરસ નિમિત્તે લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. રાજાશાહી વખતનું આશરે ૩૫૦ વર્ષ જૂનું આ મહાલક્ષ્મીજીનું મંદિર છે. મહાલક્ષ્મીજીના મંદિરે આજે પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મંદિરમાં વિશેષ સુશોભન કરવામાં આવ્યું હતું. ધનતેરસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો આજે મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભક્તો પ્રસાદી અને સાવરણી માતા લક્ષ્મીજીને અર્પણ કરી રહ્યા છે. મંદિરે સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં કલાત્મક રંગોળી પણ બનાવવામાં આવી છે.
બગસરા
(સમીર વિરાણી દ્વારા) બગસરા :
બગસરા ના તમામ મંદિરના કોઠારી સંતો દ્વારા શુક્રવારે અન્નકૂટના દર્શન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે પરંતુ તે દિવસે બેસતુ વર્ષ ઉજવવું કે કેમ તે નિર્ણય ન થતા લોકો દ્વિધામાં મુકાયા છે.
વિગત અનુસાર બગસરા શહેરમાં વર્ષોથી ધોકા નો દિવસ પાળવામાં આવ્યો નથી. આ વર્ષે પણ બે દિવસ દિવાળી હોવાથી એક દિવસ ધોકા નો દિવસ ગણાય છે. બગસરાના તમામ મંદિરના કોઠારી સંતો દ્વારા થયેલ નિર્ણય મુજબ શહેરમાં ૧ નવેમ્બર રોજ અન્નકૂટના દર્શન યોજવામાં આવશે. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બેસતુ વર્ષ તારીખ ૨ નવેમ્બર ના રોજ ઉજવવા માટે જાહેર બોર્ડ મૂકવામાં આવેલ છે. અલગ અલગ ઉજવણીને ને લીધે ભક્તો અન્નકૂટના દર્શન કરવા જાય ત્યારે એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવવી કે નહી ? તેવી દ્વિધામાં મુકાયા છે. વર્ષોથી બગસરામાં અન્નકૂટના ના દિવસે નવા વર્ષની ઉજવણી કરાતી આવે છે તો આ વર્ષે આવો ફેરફાર કેમ? તેવો પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
