તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
કેશોદમાં પ્રેમિકાને મળવા ગયેલા ચોરવાડના રવિનું અપહરણ કરી વાડીમાં લઇ જઇ રાતભર ધોકાવ્યો
ગાડીના ફેરા કરેવા આવતો હોઇ યુવતિ સાથે પરિચય થયા બાદ છએક માસથી ઇલુ ઇલુ ચાલતુ હતું : મોડી રાતે યુવતિના સગા જોઇ જતાં રિક્ષામાં નાંખી લઇ જવાયો હતોઃ ધોલધપાટ બાદ વહેલી સવારે જ્યાંથી ઉઠાવ્યો હતો ત્યાં ફેંકી દેવાયોઃ આખા શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયોઃ ગુનો નોંધવા તજવીજ

રાજકોટ તા. ૩૧: પ્રેમ પ્રકરણો અનેક વખત ડખ્ખાનું કારણ બનતાં હોય છે. દરમિયાન ચોરવાડના ચોવીસ વર્ષના યુવાનને તે ગાડીના ફેરા કરવા કેશોદ આવતો જતો હોઇ અહિની એક યુવતિ સાથે પ્રેમ થઇ જતાં પરમ દિવસે મોડી રાતે કેશોદમાં યુવતિને મળવા આવ્યો હતો. બંને કોર્ટ નજીક એક શેરી ગલીમાં થોડીવાર ઉભા હતાં અને બાદમાં તે યુવતિને કોર્ટ પાસે પરત મુકવા આવ્યો ત્યારે યુવતિના સગા સંબંધીઓ જોઇ જતાં તેને રિક્ષામાં નાંખી એક વાડીમાં લઇ જઇ મોડી રાતથી સવારના છએક વાગ્યા સુધી ધોકા-પાઇપથી તેની બેફામ ધોલધપાટ કરી હતી. બાદમાં જ્યાંથી ઉઠાવ્યો હતો ત્યાં ફેંકી દેવાયો હતો. ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ ચોરવામાં મોમાઇ માતાજીના મંદિર પાસે રહેતાં રવિ હરદાસભાઇ ચાવડા (ઉ.વ.૨૪)ને પરમ દિવસે રાતે દોઢેક વાગ્યે કેશોદની કોર્ટ પાસે હતો ત્યારે ત્યાંથી તેને રિક્ષામાં નાંખી એકાદ વાડીએ લઇ જવાયા બાદ મારકુટ કરવામાં આવતાં અને સવારે છોડી મુકવામાં આવતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રવિ બે ભાઇમાં નાનો છે અને ડ્રાઇવીંગ કરી પરિવારને મદદરૂપ થાય છે.
તેના સગાએ જણાવ્યું હતું કે રવિ ગાડી લઇ ફેરા કરવા કેશોદ આવતો જતો હોઇ છએક મહિના પહેલા અહિ રહેતી અને કારખાનામાં કામે આવતી એક યુવતિ સાથે તેનો પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. આ દરમિયાન પરમ દિવસે રાતે રવિ ચોરવાડથી કેશોદ યુવતિને મળવા આવ્યો હતો અને કેશોદ કોર્ટ નજીક કોઇ શેરી ગલીમાં તે અને યુવતિ મળ્યા હતાં. ત્યારપછી તે યુવતિને પરત મુકવા રોડ પર આવ્યો ત્યાં જ યુવતિને શોધતા તેના સગા આવી જતાં તેને ઉઠાવી લીધો હતો.
પીયાગો રિક્ષામાં નાખીને રવિને કોઇ વાડીએ લઇ જવાયો હતો. જ્યાં તેને થોડી થોડીવારે ધોકા પાઇપથી માર મારવામાં આવતો હતો. આ રીતે સવાર સુધી મારકુટ થતાં આખા શરીરે ચાંભા પડી ગયા હતાં. બાદમાં તેને કેશોદ કોર્ટ પાસે જ ફેંકી દેવાયો હતો અને હવે પછી ગામમાં પગ નહિ મુકવાની ધમકી અપાઇ હતી. અર્ધબેભાન થઇ ગયેલા રવિએ ભાનમાં આવ્યા બાદ પરિવારજનોને જાણ કરતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં કેશોદ પોલીસે ફરિયાદ દાખલ કરવા તજવીજ કરી હતી.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
