<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ઔદ્યોગીક ગેસના સીલીન્‍ડરમાં દારૂનો જથ્‍થો છુપાવી ઘુસાડવાના કારસ્‍તાનનો પર્દાફાશઃ લાખોનો દારૂ કબ્‍જે

તહેવારોમાં વિદેશી દારૂનો જથ્‍થો સપ્‍લાય કરવા અવનવા કિમીયા અજમાવતા બુટલેગરો આટકોટના મોટા દડવા પાસે રૂરલ એલસીબીએ વિદેશી દારૂનો જથ્‍થો, ટ્રક અને યુટીલીટી સહિત રર લાખનો મુદામાલ કબ્‍જે કર્યો આ દારૂનો જથ્‍થો રાજકોટના નામચીન બુટલેગર અલ્‍તાફ ઉર્ફે ૬ આંગળીનો હોવાનું ખુલતા અલ્‍તાફ તેના સાગ્રીત સોયેબની શોધખોળ

તસ્‍વીરમાં પકડાયેલ ટ્રક અને યુટીલીટી નજરે પડે છે. (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ)

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા., ૩૧: તહેવારોમાં સૌરાષ્‍ટ્રમાં વિદેશી દારૂનો જથ્‍થો ઘુસાડવાના બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય તેમ આટકોટના મોટા દડવા ગામ પાસે રૂરલ એલસીબીએ ઔદ્યોગીક ગેસના સીલીન્‍ડરમાં દારૂનો જથ્‍થો છુપાવી ઘુસાડવાના કારસ્‍તાનનો પર્દાફાશ કરી લાખોનો મુદામાલ કબ્‍જે કર્યો છે.

મળતી વિગતો મુજબ આટકોટના મોટા દડવા ગામ પાસે વિદેશી દારૂનો જથ્‍થો આવી રહયાની બાતમી મળતા રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા તથા રૂરલ એસઓજીના પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહીતનો કાફલો વોચમાં ગોઠવાયો હતો તે દરમિયાન ઔદ્યોગીક ગેસના બાટલા ભરેલ ટ્રક નીકળતા તલાશી લેતા ઔદ્યોગીક ગેસના બાટલામાં દારૂનો જથ્‍થો મળી આવતા પોલીસ ચો઼કી ઉઠી હતી. રૂરલ એલસીબીએ ઔદ્યોગીક ગેસના બાટલા ખાલી કરી વિદેશી દારૂના જથ્‍થાની ગણત્રી કરતા ર૪૬૦ બોટલ દારૂ, ટ્રક તથા યુટીલીટી મળી રર લાખનો મુદામાલ કબ્‍જે કર્યો છે. દારૂના જથ્‍થાનું કટીંગ થતુ હતુ ત્‍યારે જ પોલીસે દરોડો પાડતા આરોપીઓ નાસી છુટયા હતા.

દરમિયાન આ દારૂનો જથ્‍થો રાજકોટના નામચીન બુટલેગર અલ્‍તાફ ઉર્ફે ૬ આંગળીનો હોવાનું ખુલતા પોલીસે અલ્‍તાફ હનીફભાઇ નઇમ તથા સોયબ રજાકભાઇ ઓડીયા રે. રાજકોટ સામે ગન્‍હો દાખલ કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.

(2:17 PM IST)