<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

દિવાળી પછી 12 નવેમ્બરથી લાખો ભાવિકોના આસ્થાના પ્રતીક સમી ગિરનારની લીલી પરિક્રમા : યાત્રાળુઓના હેલ્થ ચેકઅપ માટે ઉભા કરાશે આરોગ્ય કેન્દ્રો

વયોવૃધ્ધ કે હૃદયની તકલીફ ધરાવતા લોકોને ગિરનાર પરિક્રમા ન કરવા અપીલ કરાઈ : પડતર ફળો તથા ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ન ખાવાની તકેદારી રાખવી : ખરાબ પાણી, નદી નાળાના પાણી પીવામાં ઉપયોગમાં લેવું નહીં

જુનાગઢ તા.૩૧ : ગિરનારને ફરતે પરિક્રમાનો ધાર્મિક પર્વ આગામી 12 નવેમ્બરથી 15 નવેમ્બર 2024 સુધી યોજાનાર છે. આ પરિક્રમામાં લાખો યાત્રાળુઓ આવશે. યાત્રાળુઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ યાત્રાળુઓનો આરોગ્ય ન જોખમાય તે માટે પરિક્રમાના રૂટ પર આરોગ્ય કેન્દ્ર ઉભા કરાશે. પરિક્રમા રૂટ પર યાત્રાળુઓના પડાવના સ્થળો જીણાબાવાનીમઢી, સરકડીયા, મારવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવશે. 

યાત્રાળુઓને તેમના આરોગ્યની તકેદારી માટે આ વિસ્તારમાં વેચાતા આરોગ્યને હાનિકારક હોય તેવા વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ન ખાવાની તકેદારી રાખવી તેમજ ખરાબ પાણી, નદી નાળાના પાણી પીવામાં ઉપયોગમાં લેવું નહીં. પીવા માટે ક્લોરીનેશન કરેલું જ પાણી પીવાના ઉપયોગમાં લેવું આ અંગેની ખાસ તકેદારી રાખવી. 

તેમજ પરિક્રમાના વિવિધ રસ્તાઓમાં ચઢાણવાળા તથા મહત્તમ શારીરિક શ્રમ યુક્ત હોય અને ભૂતકાળમાં આવા રસ્તાઓમાં વયોવૃધ્ધ કે હૃદયની તકલીફ ધરાવતા લોકોને વધુ તકલીફ પડતી હોય છે. આવા વયોવૃધ્ધ કે હૃદયની તકલીફ ધરાવતા લોકોને ગિરનાર પરિક્રમા ન કરવા અપીલ કરવામાં આવે છે. તેમ જ આકસ્મિક સંજોગોમાં દરેક સ્થળોએ રાખવામાં આવેલ સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા જણાવાયુ છે.

(5:00 PM IST)