<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

ભાવનગરમાં ઈંગ્લેન્ડથી આવેલા પુત્રની સામે જ ડોક્ટર પિતાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

ગાડીનો હોર્ન મારીને સાઈડમાં ખસી જવાનું કહેતા તમામ લોકો ઉશ્કેરાઈ ગયા અને તીક્ષ્ણ હથિયારથી તૂટી પડ્યા

ભાવનગરના વરતેજ ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરનારા 51 વર્ષીય શિવરાજ લાખાણી નામના વ્યક્તિની ભાવનગરના એરપોર્ટ રોડ પર આવેલા યોગીનગર ખાતે શુક્રવારના રોજ રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં પ્રકાશ રાજુ ખોખર, ભાવેશ ઉર્ફે ભાવિન પંડ્યા, કિશન ઉર્ફે કેપી ડગળા, રિતેશ ઉર્ફે ભયલુ ખેસ્તી, દેવ ઉર્ફે અગુ ચુડાસમા તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા છરી વડે ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

   સમગ્ર મામલે 24 વર્ષીય કહાન લાખાણી દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 103 (1), 118 (1), 190, 191 (2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. કહાન લાખાણી દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, “દિવાળીની રાત્રે પોતે તેમજ પોતાનો મિત્ર કિશન પોતાની કિયા સેલ્ટોસ ગાડીમાં ડીઝલ પુરાવા માટે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન યોગીનગર ખાતે આરોપીઓ રસ્તા ઉપર નાચ ગાન કરી દેકારો કરતા હતા. જેથી મેં ગાડીનો હોર્ન મારીને સાઈડમાં ખસી જવાનું કહેતા તમામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા.

   તેમજ ગાડી પાસે આવીને મને ગાળો આપવા લાગ્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો સાથે જ તીક્ષ્ણ હથિયારો લઈ આવી ગાડી ઉપર પથ્થરના છુટા ઘા કરી ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. તેમજ ભાવિન ઉર્ફે ભાવિન પંડ્યા દ્વારા લોખંડના સળિયાથી માથાના ભાગે તેમજ મોઢાના ભાગે કહાન લાખાણીને ઈજા પહોંચાડવામાં આવી હતી. જેથી કહાન દ્વારા ફોન કરીને પોતાના પિતાને બોલાવવામાં આવતા આરોપીઓ દ્વારા ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. તેમજ રિતેશ ઉર્ફે ભયલુ દ્વારા પોતાની પાસે રહેલ છરી વડે છાતીના ભાગે જીવલેણ ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. તેમજ ત્યારબાદ તમામ લોકો નાસી ગયા હોવાનું સામે આવ્યું છે.”

  તક વરતેજ હોસ્પિટલ ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે તેમનો પુત્ર કહાન ઇંગ્લેન્ડ ખાતે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી છેલ્લા ત્રણ માસથી ભાવનગર આવ્યો છે.

(7:51 PM IST)