News of Sunday, 3rd November 2024
ગીર જંગલમાં રેકડ એલર્ટઃ વેકેશન નિમિતે જંગલ વિસ્તારમાં ફરવા આવેલા સહેલાણીઓ ગેરકાયદે સિંહ દર્શન ન કરે તે માટે માર્ગદર્શિકા જાહેર

અમરેલીઃ વન્ય જીવોને લઈને ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગીરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર પૂર્વના ડીસીએફે વન્ય જીવોને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. વેકેશન નિમિતે જંગલ વિસ્તારમાં ફરવા આવેલા સહેલાણીઓ ગેરકાયદે સિંહ દર્શન ન કરે તે માટે એલર્ટ કરવામાં આવ્યા.
અમરેલી: અમરેલીમાં ગીર પાણીયારા અને મિતિયાળા અભયારણ્યમાં વન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિવાળીના વેકેશનમાં આવતા પ્રવાસીઓ માટે વન્યજીવોને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વેકેશનમાં ફરવા આવતા પ્રવાસીઓને તેમના પ્રવાસ દરમિયાન જંગલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ પ્રવાસી ઉપર કોઈ હિંસક પ્રાણી હુમલો ન કરે, ઉપરાંત વન્ય પ્રાણીઓને નૈસર્ગિક જીવન પર કોઈ ખલેલ ન પહોંચે એ માટે ધારી વન વિભાગે દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
વન્ય જીવોને લઈને ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગીરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો જંગલ તથા આસપાસના વિસ્તારમાં રહેતો હોય છે. ત્યારે આ અનુસંધાને જંગલ વિસ્તારમાં આવતા સહેલાણીઓ ગેરકાયદે સિંહદર્શન ન કરે તે માટે એલર્ટ કરવામાં આવ્યા છે.
અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે પ્રવાસીઓ વન્ય જીવોની પજવણી કરતા હોય છે. ત્યારે સહેલાણીઓ સિંહોની જોખમી રીતે પજવણી ન કરે તે માટે વન વિભાગે જંગલ વિસ્તારો સહિત આસપાસના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસે નાઇટ પેટ્રોલિંગ પણ વધાર્યું છે. આ માટે જંગલ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ પ્રવાસીઓને સિંહોની પજવણી ન કરવા માટે સમજાવવામાં આવશે.
ધારી વન વિભાગના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે ગીરની આજુબાજુના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેથી જંગલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, વન્ય પ્રાણીઓને નૈસર્ગિક જીવન પર કોઈ ખલેલ ન પડે અને લોકોના આજીવન પર વન્ય પ્રાણીઓથી કોઈ જોખમ ઉભું ન થાય તેને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિશેષ પેટ્રોલિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જંગલમાંથી નીકળતા જાહેર માર્ગો અને જંગલમાં સ્થિત ધાર્મિક સ્થળો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે ગીરમાં મિતિયાળા અભયારણ્યની આજુબાજુમાં હોટલ-રિસોર્ટસ આવેલા છે, તેમને પણ ખાસ આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે. જેથી ત્યાં આવતા પ્રવાસીઓ ગેરકાયદેસર સિંહદર્શન જેવી પ્રવૃત્તિઓમાં ન જોડાય. તેમણે લોકોને અપીલ કરી છે કે ગેરકાયદેસર સિંહદર્શન કે સિંહોની પજવણી જેવી પ્રવૃત્તિઓમાં ભાગ ન લે. સાથે જ અન્ય કોઈ પણ વન્ય પ્રાણીઓને કોઈ ખોરાક ન ખવડાવે. પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન નાખે અને ફક્ત કચરાપેટીમાં જ નાખે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
