<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

સબળ નેતૃત્વ થકી પરિવર્તન લાવનારા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજનબધ્ધ વિકાસ કામોને સરકારમાં ત્વરિત મંજૂરી : આ નૂતન વર્ષ વિકાસના નવતર સંકલ્પો સાકાર કરવાનું વર્ષ બની રહેશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આપણે સૌ વિકસિત ભારત@૨૦૪૭ને અમૃતકાળ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સહભાગી બનીએ : ધરતીપુત્ર સ્વ. ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ કરવું એ મારા માટે ગૌરવની ક્ષણ : સાવરકુંડલાની જનતાને નૂતન વર્ષાભિનંદન પાઠવી રુ.૧૨૨ કરોડના વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી : નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવા રુ.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવતી રાજ્ય સરકાર

અમરેલી, તા.૫ 

 રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નૂતન વર્ષના પ્રારંભે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. 

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા પાઠવી જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત પ્રયાસના પરિણામે અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ થયું જેના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. આ દિવાળી વિશેષ છે કારણ કે, પાચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામ અયોધ્યા નીજ મંદિર ખાતે બિરાજમાન થયા છે. 

      આ નૂતન વર્ષ એ વિકાસના નવતર સંકલ્પો સાકાર કરવાનું વર્ષ બની રહેશે તેમ ઉમેરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, દીપાવલીના પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વાકબારસના પાવન તહેવારે રુ.૪૮૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે, તો આજે સાવરકુંડલા વિસ્તારને રુ.૧૨૨ કરોડના વિકાસ પ્રકલ્પોથી લાભાન્વિત કરવાનો મને અવસર મળ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, વર્તમાન સરકારમાં કરોડોના વિકાસ કાર્યો થઈ રહ્યા છે તે સબળ નેતૃત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પહેલાના સમયમાં નગરપાલિકાનું      આખા વર્ષનું બજેટ રુ.૫-૧૦ લાખનું હતું. નગરપાલિકા દ્વારા રુ.૧૦૦ કરોડના કામોના વિકાસકાર્યોના લોકાર્પણ થઈ રહ્યા છે. સબળ નેતૃત્વ થકી પરિવર્તન લાવનારા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજનબધ્ધ વિકાસ કામોને સરકારમાં ત્વરિત મંજૂરી મળી રહી છે, જેના પરિણામે વિકાસ વેગવંતો બન્યો છે.

       અમરેલી જિલ્લાના વિવિધ વિકાસ કામો ગુણવત્તાસભર રીતે પરિપૂર્ણ થાય તથા જિલ્લાના નાગરિકોને સુવિધામાં વધારો થાય તેવી મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવતા ઉમેર્યુ કે, અમરેલી જિલ્લા તથા સાવરકુંડલા શહેરની રોડ કનેક્ટિવિટી વધે તે માટે વિવિધ રસ્તાઓના કામો થકી નગરજનોને સુવિધાસભર પરિવહનની ભેટ મળી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આજે વિકાસના ભેખધારી તથા ખેડૂતોના હિતેચ્છુ સ્વ.ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી તે બદલ હું મને ભાગ્યશાળી સમજુ છું. આ પ્રતિમા ભાવિ પેઢીને પ્રેરણા આપશે.

      વડાપ્રધાનશ્રીના વિકાસના મંત્રને સ્વ. ભગવાન બાપાના વ્યક્તિત્વ સાથે સરખાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, સ્વ. ભગવાન બાપા પણ "સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ" એવી વિચારસરણી ધરાવતાં હતા જેથી તેઓએ સમૂહ ખેતીનો ઉન્નત વિચાર અમલમાં મૂક્યો હતો.

રાજ્યમાં રોડ રસ્તા, પીવાનું અને સિંચાઈનું પૂરતું પાણી, નિયમિત વીજળી, પાકની વાવણીથી પાકની લલણી સુધી તથા પાકના વેચાણ સુધી ખેડૂત લક્ષી યોજનાઓ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે અમલમાં મૂકી છે જેના કારણે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે.   

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે, આપણા વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ને અમૃતકાળ બનાવવાનું આહવાન કર્યું છે ત્યારે આપણે સૌ નૂતન વર્ષમાં કટિબદ્ધ થઈએ અને વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનીએ. 

      મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે રુ.૧૨૨ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું. મુખ્યમંત્રીશ્રીએ સાવરકુંડલા મુકામે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના રુ.૧૦૩ કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ૪.૯૦ કરોડ રૂપિયાના લોકાર્પણ અને ૧૩.૪૭ કરોડના ખાતમુહૂર્ત કર્યા હતા. 

      આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલા એપીએમસી ખાતે આજીવન ખેડૂતોની સેવાને વરેલા અને સમૂહ ખેતીના પ્રણેતા પૂર્વ ધારાસભ્ય સ્વ. ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. પૂર્વ ધારાસભ્ય અને ધરતી પુત્ર સ્વ.ભગવાનબાપાએ આજીવન ખેડૂતની સેવા કરીને ખેડૂતોના દિલમાં સાચા સેવકનું બહુમાન મેળવ્યું હતું. 

     સાંસદ  પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે, નૂતન વર્ષે અમરેલી જિલ્લાને કરોડો રુપિયાના વિકાસના કામોના પ્રોજેક્ટ સરકારે ભેટ આપ્યા છે. સાવરકુંડલાના વિકાસ માટે રુ.૧૨૨ કરોડના વિકાસ કામોની રાજ્ય સરકારે ભેટ આપી છે. આ સાથે ખેડૂતોના સાચા સેવક પૂર્વ ધારાસભ્ય સ્વ.ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું મને સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે.

શ્રી રૂપાલાએ ઉમેર્યુ કે, આવનારી પેઢી સ્વ.ભગવાનબાપા પાસેથી પ્રેરણા મેળવશે. સમૂહ ખેતીએ આજના સમયની જરુરિયાત છે ત્યારે ભગવાન બાપાએ વર્ષો અગાઉ સમૂહ ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું. 

    સાંસદ  પરશોત્તમભાઈ રૂપાલાએ ઇઝરાયલની પ્રગતિમાં ટેકનોલોજીની સાથે સાથે ત્યાં થતી સમૂહ ખેતી (કિબૂત્સ)ની વાત કરવાની સાથે પૂર્વ ધારાસભ્ય અને ધરતીપુત્ર સ્વ ભગવાન બાપાએ કરેલા સમૂહ ખેતીના પ્રયોગો એ ખેતીને લાભપ્રદ બનાવે છે તેમ જણાવી ખેડ હક કાયદો, ગણોત ધારા સહિત કાયદા તથા ગ્રીન રેવોલ્યુશનથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો હતો અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂત કલ્યાણકારી યોજનાઓથી ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે તેમ ઉમેર્યુ હતું.

પોતાના દાદા અને સમૂહ ખેતીના પ્રણેતા ધરતીપુત્ર સ્વ. ભગવાન બાપાને યાદ કરીને ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ સ્વાગત પ્રવચનમાં કહ્યુ કે, ભગવાન બાપાના પ્રયાસોથી સૌરાષ્ટ્રનું પ્રથમ યાર્ડ સાવરકુંડલામાં બન્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલા અને લીલીયાના વિકાસ માટે બે વર્ષમા રુ.૧૬૦૦ કરોડની માતબર રકમ ફાળવી છે. રોડ રસ્તાના કામ માટે રુ.૧૭૧ કરોડ ફાળવ્યા જેમા ૧૨૦ રોડ પૈકી ૭૪ રોડના કામ ટૂંક સમયમાં શરુ થશે. રાજ્ય સરકારે નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે રુ.૨૫ કરોડ મંજૂર કર્યા છે. આ રિવરફ્રન્ટ બનવાથી નાવલી નદી પુનર્જીવિત થવાની સાથે શહેરની શોભામાં વધારો થશે.

ઇફ્કોના અધ્યક્ષ  દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના વિવિધ વિકાસ કાર્યોના અભિયાનને વેગ મળ્યો છે. સહકારિતાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના સમૃદ્ધિના દ્વાર ખુલશે.  ભગવાન બાપાએ નવયુવાનોને આપેલા પ્રોત્સાહનના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે જણાવ્યુ કે, પૂર્વ ધારાસભ્ય સ્વ. ભગવાનબાપાએ પોતાના માટે નહીં પણ છેવાડાના માનવી માટે હંમેશા કામ કર્યું હતું. માયાભાઈએ આ તકે ભગતબાપુ તેમજ કાગ બાપુને યાદ કર્યા હતા. તેમણે જનકલ્યાણના કાર્યો થકી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.

       આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ ધારાસભ્ય કૌશિક ભાઈ વેકરિયા, ધારાસભ્યો જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા, હીરાભાઈ સોલંકી, કંચનબેન રાદડીયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, સાવરકુંડલા માર્કેટ યાર્ડ અધ્યક્ષ દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,  પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા,  પૂર્વ ધારાસભ્યો બાવકુભાઈ ઉંધાડ, વલ્લભભાઈ કાકડીયા,  મનસુખભાઈ ભુવા,  હનુભાઈ ધોરાજીયા,  કાળુભાઈ વિરાણી, અંબરિશભાઈ ડેર,  રાજુલાના અગ્રણી જિજ્ઞેશભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ બસિયા, હિરેનભાઈ હિરપરા, શ્રી વિપૂલભાઈ દૂધાત, ધીરુભાઈ વાળા, જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો, અગ્રણીઓ, નગરશ્રેષ્ઠીઓ, ખેડૂતો અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આભારવિધિ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદીએ કરી હતી.

     કાર્યક્રમમાં સાવરકુંડલાના પ્રખ્યાત વજન કાંટો, ઘંટી તેમજ બળદગાડું સહિતના ગ્રામ્ય સંસ્કૃતિના પ્રતિકોથી મુખ્યમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.  એ.પી.એમ.સી.ના અધ્યક્ષ શ્રી દીપકભાઈ માલાણીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતું. કાર્યક્રમમાં લોક કલાકાર સર્વ શ્રી વિજયદાન ગઢવી, શ્રી કિરીટદાન કુંચાલા, શ્રી હર્ષાબેન કારેલિયા, શ્રી રેખાબેન વાળા અને સાજીંદાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી.

(6:38 PM IST)