News of Wednesday, 6th November 2024
જુનાગઢમાં શુક્રવારે લોહાણા મહાજન દ્વારા પૂ.જલારામબાપા જન્મજયંતિ ઉજવાશે
૮ નવેમ્બરે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ગુંજશે જય જલારામનો નાદ : ૨૨૫ દીવડાની આરતી,રકતદાન કેમ્પ, થેલેસેમિયા પરીક્ષણ, ગૌશાળા-પક્ષીઓને દાન, ભૂદેવોને ભોજન અને જ્ઞાતિ મહાપ્રસાદ સહિતના આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૬: કારતક સુદ સાતમ જલારામ જયંતી એટલે રઘુવંશી પરિવારને બીજી દિવાળી, જુનાગઢ લોહાણા મહાજન દ્વારા આગામી તા.૮ નવેમ્બરના શુક્રવારે ૨૨૫મી જલારામ જન્મ જયંતી પ્રસંગે સામાજિક સેવાકીય કાર્યક્રમ, જ્ઞાતિ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરુના માર્ગદર્શન હેઠળ શુક્રવારે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે જલારામ બાપાની ઝૂંપડી સન્મુખ ૨૨૫ દીવડાની આરતી થશે. ત્યારબાદ શાશ્વત ભૂદેવોનું પૂજન કરી ભોજન પ્રસાદ પીરસવામાં આવશે અને ત્યારબાદ રઘુવંશી પરિવારો માટે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ (નાત) નું આયોજન કરવામાં આવ્યું છે.
માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ગૌસેવા, બીમાર ગાયો પશુ-પક્ષીઓની સેવા કરતી સંસ્થાઓ અને ગૌશાળાને ઘાસચારા દવા અને ચણ માટે ચેક અર્પણ કરવામાં આવશે. મેડિકલ કાર્યક્રમ અંતર્ગત સવારે ૧૧થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રકતદાતાઓ આરામથી રકતદાન કરી શકે તે માટે એર કંડિશન બસની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ જૂનાગઢની મંગલમ ઇન વિદ્ર લેબોરેટરી દ્વારા થેલેસેમિયા પરીક્ષણ અને આર બી એસ (રેન્ડમ બલ્ડ સુગર) ની પણ વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે.૮ નવેમ્બર શુક્રવારે યોજાનાર સમૂહ મહાપ્રસાદ ભોજન કાર્યક્રમમાં જય જલારામનો નાદ ગુંજી ઉઠશે કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જલારામ જયંતી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરુએ જણાવ્યું છે. જલારામ જયંતીના દિવસે યોજાનાર કાર્યક્રમમાં તમામ રઘુવંશી પરિવારોએ સહભાગી થવા અને જલારામ જયંતીના દિવસે વેપારી ભાઈઓએ ધંધા રોજગાર બંધ રાખી પ્રસંગમાં જોડાવા લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈએ અનુરોધ કર્યો છે.
જલારામ જયંતીના દિવસે હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા અને માતૃશ્રી વીરબાઈમાં મંદિર ખાતે દિવંગત સેવાભાવી ટ્રસ્ટ ચીમનલાલ મથુરાદાસ રૂપારેલીયા-ગં.સ્વ રેખાબેન ચીમનલાલ રૂપારેલીયા પરિવાર (ચંદન કેટરર્સ) તરફથી સવારે ૮ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધી અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.
જલારામ જયંતિ શોભાયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા બપોરે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન. જલારામ જયંતી નિમિત્તે જલારામ જયંતિ મહોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા ૮ નવેમ્બરના શુક્રવારે બપોરે ૪ વાગ્યે પોસ્ટ ઓફિસ રોડ પર નવનિર્મિત થઈ રહેલા જલારામ બાપા તથા માતૃશ્રી વીરબાઈ માના મંદિરેથી ભવ્ય શોભા યાત્રા પ્રસ્થાન થશે. જે આઝાદ ચોક, એમજી રોડ, કાળવા ચોક, જયશ્રી રોડ, જલારામ સોસાયટી રોયલ પાર્ક ખાતે પૂર્ણ થશે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
