News of Thursday, 7th November 2024
મંદિર સબંધીત બાંધકામ મામલે કચ્છના ભાજપ અગ્રણી વેસલજીભાઈ તુંવર ઉપર જીવલેણ હુમલો
બાંધકામ અંગે ઉશ્કેરાયેલા બળવંતસિંહ ભેરજી સોઢાએ મજૂરો સાથે બોલાચાલી કરતાં સ્થળ ઉપર પહોંચેલા લખપત તાલુકાના ભાજપના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો કર્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ :
સરહદી કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામેનો પડકાર ચિંતા સર્જી રહ્યો છે. બબ્બે પોલીસ જીલ્લા અને બોર્ડર રેન્જ ઓફીસ હોવા છતાંયે ખાખીની ઓસરતી ધાક ઘણું બધું કહી જાય છે.
સરહદી લખપત તાલુકાના ભાજપના પ્રમુખ વેસલજી મોડજી તુંવર ઉપર જીવલેણ હુમલો થવાના સમાચારોએ સનસનાટી સર્જી છે. કેડીસીસી બેંકના ડાયરેક્ટર એવા જીલ્લાના સહકારી અને રાજકીય આગેવાન વેસલજી તુંવર દ્વારા આશાપર ગામે મંદિર નજીક પૂજારી માટે ઓરડી બનાવવાનું કામ હાથ ધરાયું હતું.
આ બાંધકામ અંગે ઉશ્કેરાયેલા બળવંતસિંહ ભેરજી સોઢાએ મજૂરો સાથે બોલાચાલી કરતાં ત્યાં સ્થળ ઉપર પહોંચેલા વેસલજી તુંવર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. લોહી નીંગળતી હાલતમાં ઇજાગ્રસ્ત થયેલા આ રાજકીય આગેવાનને દયાપર પ્રાથમિક સારવાર આપી ભુજમાં વધુ સારવાર માટે દાખલ કરાયા છે. કચ્છમાં ચકચાર સર્જતા હુમલાના આ બનાવના આરોપી બળવંતસિંહ સોઢાને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
